અમદાવાદમાં ગંભીર ગુના સાથે સંકળાયેલી 10 જેટલી ગેંગ સક્રિય, DGના આદેશ બાદ યાદી તૈયાર


- શહેર પોલીસે 10 જેટલી માથાભારે ગેંગની પ્રાથમિક યાદી તૈયાર કરી
- અમદાવાદમાં કેટલાક તત્ત્વો વિરૂદ્ધ ગુજસીટોકના ગુના નોંધાય શકે છે
- અમરાઇવાડી, જુહાપુરા, નારોલ, વટવા સહિતના વિસ્તારોની ગેંગનો સમાવેશ
અમદાવાદના વસ્ત્રાલમાં માથાભારે તત્ત્વો દ્વારા વાહનો, દુકાનોમાં તોડફોડ કરવાની ઘટના સામે આવ્યા બાદ ડીજીપીએ ગંભીર નોંધ લીધી હતી. 100 કલાકની અંદર સમગ્ર રાજ્યના તમામ પોલીસ સ્ટેશનની હદમાં સક્રિય માથાભારે ગેંગની યાદી તૈયાર કરવા માટે આદેશ કર્યો હતો.
શહેર પોલીસે 10 જેટલી માથાભારે ગેંગની પ્રાથમિક યાદી તૈયાર કરી
અમદાવાદ શહેર પોલીસે 10 જેટલી માથાભારે ગેંગની પ્રાથમિક યાદી તૈયાર કરી છે. જેમાં ખંડણી માંગવી, જમીન સહિતની મિલકતો હડપ કરવી અને ગંભીર હુમલા કરીને લોકો ભય ફેલાવતી ગેંગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય નાની મોટી ગેંગ અંગે પણ વિગતો એકઠી કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, ડીજીપીના હુકમ આદેશ બાદ અમદાવાદમાં કેટલાક તત્ત્વો વિરૂદ્ધ ગુજસીટોકના ગુના નોંધાય શકે છે.
અમરાઇવાડી, જુહાપુરા, નારોલ, વટવા સહિતના વિસ્તારોમાં સક્રિય હોય તેવી ગેંગનો સમાવેશ
પોલીસને સમગ્ર અમદાવાદમાં સક્રિય હોય તેવી 10 જેટલી ગેંગની યાદી તૈયાર કરી છે. જેમાં ઘાટલોડિયા, વાડજ, ખોખરા, અમરાઇવાડી, જુહાપુરા, નારોલ, વટવા સહિતના વિસ્તારોમાં સક્રિય હોય તેવી ગેંગનો સમાવેશ થાય છે. જેમાં વેપારીઓ પાસે ખંડણી માંગવી, ડ્રગ્સના નેટવર્ક ચલાવવા, જમીન સહિતની મિલકતો હડપ કરવી, લૂંટ કરવાના ગુનામાં સંડોવાયેલી ગેંગનો સમાવેશ થાય છે. ઉપરોક્ત વિવિધ ગેંગ વિરૂદ્ધ શહેરના અનેક પોલીસ સ્ટેશન ઉપરાંત, રાજ્યના અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ ગુના નોંધાયેલા છે.