સૈન્યને મળશે 5 હજાર આધુનિક વજ્ર મિસાઈલ, સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમમાં શું છે ખાસ?
દિલ્હી, 17 જૂન: ભારતીય સેનાને ટૂંક સમયમાં આધુનિક મિસાઈલ વજ્ર મળી શકે છે. પોતાની એરસ્પેસને સુરક્ષિત કરવા અને સંરક્ષણ ક્ષમતા વધારવા માટે ભારતીય સંરક્ષણ મંત્રાલય 5 હજાર વજ્ર મિસાઈલ ખરીદવાની તૈયારી કરી રહ્યું છે. તેનો ઉપયોગ ભારતની ત્રણેય સેનાઓ કરશે. આ આધુનિક હથિયારને S-400 તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા વિકસાવવામાં આવ્યું છે.
રિપોર્ટ અનુસાર, ભારતીય સેના આ હથિયારનો ઉપયોગ એન્ટી એરક્રાફ્ટ યુદ્ધ માટે કરશે, જેનાથી હવાઈ જોખમો સામે ભારતની સંરક્ષણ ક્ષમતામાં વધારો થશે. આ હથિયારનું પૂરું નામ વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ (VSHORADS) છે. તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે દુશ્મન જહાજો, ડ્રોન અને હેલિકોપ્ટરને અસરકારક રીતે નિષ્ક્રિય કરી શકાય.
PIB પર ઉપલબ્ધ સરકારી પ્રેસ રિલીઝ અનુસાર, DRDOએ આ વર્ષે 28 અને 29 ફેબ્રુઆરીએ તેનું પરીક્ષણ કર્યું હતું. ડીઆરડીઓએ ઓડિશાના ચાંદીપુરના દરિયાકાંઠે જમીન આધારિત પોર્ટેબલ લોન્ચરથી વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ (VSHORADS) મિસાઈલના બે સફળ ફ્લાઇટ પરીક્ષણો કર્યા હતા.
અહીં જૂઓ તેનો વીડિયો:
Very Short Range Air Defence System (VSHORADS) missile was successfully tested against high speed unmanned aerial targets under different interception scenarios on 28th and 29th Feb 2024 off the coast of Odisha@DefenceMinIndia@SpokespersonMoD pic.twitter.com/yvMsYxGW2M
— DRDO (@DRDO_India) February 29, 2024
શું છે તેની વિશેષતા?
VSHORADS એ મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ (MANPAD) છે જે હૈદરાબાદ સ્થિત રિસર્ચ સેન્ટર ઈન્દોર (RCI) દ્વારા DRDO અને ભારતીય ઉદ્યોગ ભાગીદારો સાથે મળીને સ્વદેશી રીતે ડિઝાઇન અને વિકસાવવામાં આવી છે.
VSHORADAS મિસાઈલ રિએક્શન કંટ્રોલ સિસ્ટમ (RCS) અને ઈન્ટિગ્રેટેડ એવિઓનિક્સ સહિત અનેક નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. મિસાઈલ ડ્યુઅલ થ્રસ્ટ સોલિડ મોટર દ્વારા સંચાલિત છે અને તેનો હેતુ ટૂંકી રેન્જમાં ઓછી ઉંચાઈવાળા હવાના જોખમોને બેઅસર કરવાનો છે. સરળ પોર્ટેબિલિટી સુનિશ્ચિત કરવા માટે લોન્ચર સહિત મિસાઇલની ડિઝાઇનને અત્યંત આધુનિક બનાવવામાં આવી છે.
આ મિસાઈલ રશિયાના ખતરનાક હથિયાર S-400 જેવી છે. તેને ગમે ત્યાંથી સરળતાથી કાઢી શકાય છે. વજ્ર મિસાઈલનું વજન લગભગ 20 કિલો છે. તેની લંબાઈ 6.7 ફૂટ અને વ્યાસ 3.5 ઈંચ છે. તે બે કિલોગ્રામ વજનના હથિયારો લઈ જઈ શકે છે. તેની મહત્તમ ઝડપ 1800 કિમી પ્રતિ કલાક છે અને રેન્જ 250 મીટરથી 6 કિમી છે.
આ પણ વાંચો: ટ્રેન ટુ કાશ્મીર: વિશ્વનો સૌથી ઊંચો ચેનાબ રેલ બ્રિજ તૈયાર, ટ્રેનની સફળ ટ્રાયલ રન થઈ