ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરામાં સેનાની ટ્રક પહાડ ઉપરથી ખાબકી, 4 સૈનિકોએ જીવ ગુમાવ્યા

Text To Speech

બાંદીપોરા, 4 જાન્યુઆરી : જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં શનિવારે સેનાની એક ટ્રક પહાડથી નીચે પટકાઈ હતી. આ દુર્ઘટનામાં 4 જવાનોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને 5 અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, ‘સૈનિકોને લઈને જઈ રહેલી સેનાની ટ્રકને બાંદીપોરાના સદર કૂટ પાઈન વિસ્તાર પાસે જ્યારે ડ્રાઈવરે વળાંક પર કાબૂ ગુમાવ્યો ત્યારે તેને અકસ્માત નડ્યો હતો અને ટ્રક પહાડી પરથી નીચે પટકાઈ હતી.

આ ઘટનામાં 4 જવાનોએ જીવ ગુમાવ્યા હતા અને 5 જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. દરેકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુરક્ષા દળો અને પોલીસકર્મીઓ ઘટનાસ્થળે હાજર છે. છેલ્લા 20 દિવસમાં આ ત્રીજો કિસ્સો છે જ્યારે સેનાના વાહનને અકસ્માત થયો હોય.

અગાઉ 24 ડિસેમ્બરના રોજ, સેનાનું એક વાહન રસ્તા પરથી લપસી ગયું હતું અને પૂંચ જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) નજીક 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું હતું. આ અકસ્માતમાં 5 જવાનોના મોત થયા હતા અને ડ્રાઈવર સહિત 5 અન્ય સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

સેનાએ આ માર્ગ અકસ્માત અંગે એક નિવેદન બહાર પાડ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે, 2.5 ટન વજનનું વાહન, જે છ વાહનોના કાફલાનો ભાગ હતું, તે પુંછ નજીક ઓપરેશનલ ટ્રેક પર જતા સમયે રસ્તા પરથી ઉતરી ગયું અને ખાડામાં પડી ગયું હતું.

બાંદીપોરામાં જ 15મી ડિસેમ્બરે સેનાના વાહનને અકસ્માત નડ્યો હતો. વાહન બાંદીપોરાથી ગુરેઝ તરફ જઈ રહ્યું હતું ત્યારે જેડખુસી નાળા પાસે અકસ્માત થયો હતો, જેમાં ઘણા સૈનિકો ઘાયલ થયા હતા.

4 નવેમ્બર, 2024ના રોજ, રાજૌરી જિલ્લામાં એક વાહન રસ્તા પરથી લપસીને ખાડામાં પડી જવાથી સેનાનો એક જવાન શહીદ થયો હતો અને અન્ય એક ઘાયલ થયો હતો. 2 નવેમ્બર, 2024 ના રોજ, રિયાસી જિલ્લામાં એક કાર પહાડી માર્ગ પરથી લપસીને ઊંડી ખીણમાં પડી જતાં એક મહિલા અને તેના 10 મહિનાના પુત્ર સહિત ત્રણ લોકોના મોત થયા હતા અને અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ પણ વાંચોઃ- AU સ્મોલ ફાઇનાન્સ બેંકનો મોટો હિસ્સો ખરીદશે આ બેંક, RBIએ મંજૂરી આપી

Back to top button