ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અનંતનાગમાં ચોથા દિવસે પણ સેનાનું ઓપરેશન જારીઃ શહીદોની વિદાય, માહોલ ગમગીન

  • કાશ્મીરના અનંતનાગ એન્કાઉન્ટરમાં વધુ એક જવાન શહીદ
  • ચોથા દિવસે પણ સર્ચ ઓપરેશન યથાવત
  • આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં કુલ ચાર જવાન શહીદ થયા

દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં સેના દ્વારા સતત ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં વધુ એક જવાન શહીદ થયો હતો જ્યારે બે જવાન ઘાયલ થયા હતા જેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બુધવારથી શરુ થયેલા સર્ચ ઓપરેશનમાં અત્યાર સુધીમાં ચાર જવાન શહીદ થયા છે. જંગલમાં ડ્રોનથી દેખરેખ રાખવામાં આવી રહી છે. અત્યાર સુધી પાંચ જવાન ઘાયલ થયા છે.

સખત જવાબ અપાશેઃ અનુરાગ ઠાકુર

અનંતનાગ એન્કાઉન્ટર પર કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યુ કે આ ખૂબ જ દુખદ ઘટના છે. તેનો સખત શબ્દોમાં જવાબ આપવામાં આવશે. જમ્મુ-કાશ્મીરે કોંગ્રેસને આર્ટિકલ 370 આપી અને તેના કારણે અત્યાર સુધી 40,000 લોકો જીવ ગુમાવી ચુક્યા છે. અમે છેલ્લા નવ વર્ષોમાં પાકિસ્તાન દ્વારા કરાયેલા આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને તેમાં અનેક આતંકવાદી માર્યા ગયા છે.

શહીદ કર્નલ મનપ્રીત સિંહને ભીની આંખે અંતિમ વિદાય

અનંતનાગની અથડામણમાં શહીદ થયેલા કર્નલ મનપ્રીત સિંહને મોહાલીમાં રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી છે. પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે કર્નલ મનપ્રિતસિંહના પાર્થિવ દેહને પુષ્પચક્ર ચઢાવ્યુ અને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. પંજાબના મોહાલીમાં કર્નલ સિંહના પૈતૃત ગામ મુલ્લાંપુર ગરીબદાસમાં તેમને અંતિમ વિદાય આપવામાં આવી છે.

મેજર આશિષ ઘૌંચકની અંતિમ યાત્રામાં આખુ ગામ ઉમટ્યુ

કાશ્મીરના અનંતનાગમાં 13 સપ્ટેમ્બરે આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયેલા મેજર આશિષ ધૌંચકના અંતિમ સંસ્કાર તેમના વતન બિંજૌલ ગામમાં કરવામાં આવ્યા હતા. મેજર આશિષને તેમના ભાઈ મેજર વિકાસે મુખાગ્નિ આપ્યો હતો. અંતિમ સંસ્કાર પહેલા મેજર આશિષને સૈન્ય સન્માન સાથે શીખ રેજિમેન્ટના જવાનોએ ગનથી સલામી આપી હતી. મેજર આશિષનો પાર્થિવ દેહ પાણીપતથી તેમના વતન બિંજૌલ ગામ લવાયો હતો. એક કિલોમીટર લાંબો કાફલો તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતા. લગભગ 10 હજાર જેટલા લોકો જોડાયા હતા. શહીદને અંતિમ વિદાય આપવા માટે લોકોની ભારે ભીડ ઊમટી હતી.

જે ઘરનું સપનુ જોયું હતું, સૌપ્રથમ આશિષના મૃતદેહને તે ઘરે લવાયો 

શહીદ મેજર આશિષના પાર્થિવ દેહને 15 સપ્ટેમ્બરે સવારે પાણીપતના TDI સિટીમાં તેમના નવા ઘરે લાવવામાં આવ્યો હતો. જે ઘરને આશિષ બે વર્ષથી બનાવી રહ્યા હતા. આ ઘરમાં તેઓ ઓક્ટોબરમાં તેના જન્મદિવસે ગૃહ પ્રવેશ કરવાના હતા. આજે તેમના પાર્થિવ દેહને એ જ ઘરમાં લાવવામાં આવ્યો હતો.

શહીદ મેજરની બહેને કહ્યું- મારો ભાઈ અમારું અને દેશનું ગૌરવ

અંતિમ યાત્રા દરમિયાન શહીદ મેજર આશિષની બહેને કહ્યું કે મારો ભાઈ અમારું અને દેશનું ગૌરવ છે. તેમના માતા સતત હાથ જોડી રહ્યા હતા, જ્યારે બહેન પોતાના ભાઈને સલામી આપી રહી હતી.

સેના દ્વારા સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ

જમ્મુ કાશ્મીરના અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં સેના દ્વારા સતત ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં વધુ એક જવાન શહીદ થયો હતો. આ જવાન ગઈકાલે એન્કાઉન્ટર દરમિયાન ઘાયલ થયો હતો. આ શહીદ થયેલા મેજર આશિષ ઢોંચકના પાર્થિવ દેહને તેમના નિવાસ્થાને લાવવામાં આવ્યો હતો. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે.

આ પણ વાંચોઃ પતિ અન્ય મહિલા સાથે રહે તે ક્રુરતા નહીંઃ દિલ્હી હાઇકોર્ટે કેમ આપ્યો આ ચુકાદો?

Back to top button