જમ્મુ, 25 ડિસેમ્બર : જમ્મુ-કાશ્મીરના પૂંચમાં ત્રણ નાગરિકોના મોતના મામલામાં સેનાએ બ્રિગેડિયર સ્તરના અધિકારી વિરુદ્ધ તપાસ શરૂ કરી છે તેમજ તેમની સામે કાર્યવાહી કરીને તેમને જોડવામાં આવ્યા છે. ભારતીય સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર, 13 સેક્ટર રાષ્ટ્રીય રાઈફલ્સના બ્રિગેડિયર કમાન્ડરને જોડવામાં આવ્યા છે. આ ઉપરાંત જોડાયેલા અધિકારીઓના વિસ્તારમાં આતંકવાદી હુમલામાં જવાનોના શહીદ થવાની ઘટનાઓની પણ તપાસ કરવામાં આવશે.
હુમલાના સંદર્ભે બોલાવાયેલા નાગરીકો મૃત મળ્યા
મળતી માહિતી મુજબ, ચારેક દિવસ પહેલા રાજૌરી-પૂંચ સેક્ટરમાં સેનાના કાફલા પર એમ્બ્યુશ કરીને આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં ચાર જવાન શહીદ થયા હતા. આ પછી ત્રણેય નાગરિકોને હુમલા સાથે સંબંધિત પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા હતા. આ ત્રણ નાગરિકો પાછળથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. સેનાએ આ અંગે તપાસના આદેશ આપ્યા હતા. તપાસની શરૂઆત સાથે જ બ્રિગેડિયર કમાન્ડર સામે પ્રથમ કાર્યવાહી કરવામાં આવી છે.
આતંકી હુમલો 21 ડિસેમ્બરે થયો હતો
ઉલ્લેખનીય છે કે, ગત 21 ડિસેમ્બરે સાંજે લગભગ 4.45 વાગ્યે, આતંકવાદીઓએ રાજૌરી/પૂંચના સુરનકોટ સબડિવિઝનમાં ડેરા કી ગલી અને બુફલિયાઝ વચ્ચેના ગાઢ જંગલ વિસ્તારમાં દાનાર સવાનિયા વળાંક પર સેનાના બે વાહનો પર હુમલો કર્યો હતો, જેમાં 4 જવાનો શહીદ થયા હતા અને ત્રણ ઘાયલ થયા હતા. આ વિસ્તારમાં શંકાસ્પદ ગતિવિધિના અહેવાલો બાદ ગુરુવારે સવારે શરૂ કરવામાં આવેલા ઓપરેશન માટે સૈન્યના વાહનો પર હુમલો કરવામાં આવ્યો હતો.