જમ્મુ-કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા, આતંકવાદીઓના સૌથી મહત્વપૂર્ણ મોડ્યુલ કર્યું ખત્મ, 8ની ધરપકડ
- કેન્દ્રીય એજન્સીઓ દ્વારા ગુપ્ત માહિતી મળ્યા બાદ પોલીસે તપાસ કરી અને તેના આધારે આતંકવાદીઓના મુખ્ય મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ આતંકી મોડ્યુલ તાજેતરની ઘૂસણખોરીમાં પણ સામેલ હતો
ડોડા, 13 ઓગસ્ટ: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામે ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. 26 જૂને સેનાએ ગંડોહમાં સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું હતું અને ત્રણ વિદેશી આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ પછી પોલીસે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા ગુપ્ત માહિતી મેળવીને તપાસ કરી અને તેના આધારે આતંકવાદીઓના મુખ્ય મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. આ આતંકી મોડ્યુલ તાજેતરની ઘૂસણખોરીમાં પણ સામેલ હતો. આ મોડ્યુલના કારણે ડોડા, ઉધમપુર અને કઠુઆના ઉપરના વિસ્તારોમાં આતંકવાદી ગતિવિધિઓ વધી છે.
મોડ્યુલના નેતાઓએ આંતકરવાદીઓને છુપાવાથી લઈ આવવા-જવાના રસ્તાની આપી હતી માહિતી
જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર આ મોડ્યુલના નેતાઓએ સરહદ પારથી આતંકવાદી ઓપરેટરો સાથે મળીને સાંબા-કઠુઆ સેક્ટરમાં મોટા પાયે આતંકવાદીઓની ઘૂસણખોરી કરી હતી. આ મોડ્યુલ દ્વારા આતંકવાદીઓને આશ્રય, ખોરાક અને અન્ય નાની વસ્તુઓ પૂરી પાડવામાં આવતી હતી. આ મોડ્યુલ દ્વારા આતંકવાદીઓને ઉધમપુર-કઠુઆ-ડોડા જિલ્લાના પર્વતો અને જંગલોના ઉપરના ભાગમાં કૈલાશ પર્વતની આસપાસના વિસ્તારોમાં છુપાઈ જવાની તાલીમ આપવામાં આવી હતી અને તેમને આવવા-જવાના માર્ગો પણ જણાવવામાં આવ્યા હતા.
સેનાથી બચવા માટે આતંકીઓને કરી હતી મદદ
ઉધમપુર-કઠુઆ-ડોડા વચ્ચે આર્મી ઓપરેશનમાં માર્યા ગયેલા આતંકવાદીઓએ ઉપરના વિસ્તારોમાં પહોંચવા અને સેનાથી બચવા માટે મોડ્યુલની મદદ પણ લીધી હતી. મોડ્યુલના સભ્યોએ પોતે આ વાતની પુષ્ટિ કરી છે. જ્યારે આ મોડ્યુલના લીડરની ઓળખ મોહમ્મદ લતીફ ઉર્ફે હાજી લતીફ તરીકે કરવામાં આવી છે. મોડ્યુલના અન્ય 8 સભ્યોની દુશ્મન એજન્ટ તરીકે ધરપકડ કરવામાં આવી છે. અખ્તર અલી, સદ્દામ, કુશાલ, નૂરાની, મકબૂલ, લિયાકત, કાસિમ દિન અને ખાદિમના નામ સામેલ છે.
ઘૂસણખોરી વિરોધી ગ્રીડને હજી વધુ મજબૂત કરાશે
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું કે આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીના પ્રયાસોને રોકવા માટે ભારત-પાકિસ્તાન સરહદ પર ઘૂસણખોરી વિરોધી ગ્રીડને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે. પાકિસ્તાન પર આતંકવાદનું “સાધન” હોવાનો આરોપ લગાવતા લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું કે તે (પડોશી દેશ) જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ અને સામાન્યતાને ખલેલ પહોંચાડવાના તેના પ્રયાસમાં ક્યારેય સફળ થશે નહીં. સિન્હાએ રવિવારે કહ્યું, “ઘૂસણખોરી વિરોધી ગ્રીડ પહેલા કરતા વધુ મજબૂત છે. “ઘૂસણખોરીના કોઈપણ પ્રયાસોને રોકવા માટે તેને વધુ મજબૂત બનાવવામાં આવશે.” છેલ્લા બે મહિનામાં સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના પૂંચ, કુપવાડા, રાજૌરી અને બાંદીપોરા સેક્ટરમાં ઘૂસણખોરીના અનેક પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે અને ઘણા આતંકવાદીઓને ઠાર કર્યા છે. સુરક્ષા એજન્સીઓનો અંદાજ છે કે જમ્મુ ક્ષેત્રની પહાડીઓમાં લગભગ 60 થી 70 વિદેશી ઘૂસણખોરી આતંકીઓ સક્રિય છે. જમ્મુ ક્ષેત્રના ઉધમપુર, કઠુઆ, સાંબા, ડોડા, પુંછ અને રાજૌરી જિલ્લામાં સૈન્યના જવાનો, તીર્થયાત્રીઓ અને પોલીસ પર ઉચ્ચ પ્રશિક્ષિત આતંકવાદીઓ દ્વારા શ્રેણીબદ્ધ હુમલાઓને પગલે, વહીવટીતંત્રે આંતરિક ભાગોમાં દળોને ફરીથી તૈનાત કર્યા છે અને સરહદ પર 1,000 પોલીસ કર્મચારીઓને તૈનાત કર્યા છે. બેવડી વ્યૂહરચના અપનાવવામાં આવી છે.
આ પણ વાંચો: સૈનિકોનું ગામ: કોઈપણ યુદ્ધમાં શહીદ નથી થયો એક પણ સૈનિક, કોણે કર્યું રક્ષણ?