તહેવારોને લઈ કચ્છમાં 31 ઑક્ટોબર સુધી હથિયારબંધી જાહેર
- ધાર્મિક તહેવારોમાં શાંતિ જળવાઈ એ માટે લેવાયો નિર્ણય
- શસ્ત્ર સાથે રેલી ન કાઢવાનો અપવામાં આવ્યો આદેશ
- જાહેરનામાનો ભંગ કરનારને એક વર્ષની સજા
જિલ્લા મેજિસ્ટ્રેટ મિતેશ પંડ્યાએ સમગ્ર કચ્છ જિલ્લામાં 31 ઑક્ટોબર 2023 સુધી હથિયારબંધીના આદેશ જાહેર કર્યા છે. આ મહિને જિલ્લામાં યોજનાર ધાર્મિક તહેવાર ઉજવણી અને મેળાને લઈ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ નિર્ણય લેવાયો છે. શાંતિ જળવાઈ રહે તે માટે સાવચેતીના પગલાંરૂપે ગુજરાત પોલીસ અધિનિયમ, 1951ની કલમ 37 (1) હેઠળ આ અંગે માહિતી આપી હતી.
માત્ર શસ્ત્ર પૂજનને છૂટ અપાશે
24મી ઓક્ટોબરે દશેરાનો તહેવાર આવતો હોવાથી આ દિવસે પરંપરાગત રીતે શસ્ત્ર પૂજનની વિધિ કરવામાં આવે છે. નોટિફિકેશન મુજબ માત્ર શસ્ત્ર પૂજનની વિધિમાં જ છૂટ આપવામાં આવશે. ખાસ બાબત એ છે કે, એક સ્થળે શસ્ત્ર રાખી પૂજન કરવાનું રહેશે. શસ્ત્ર સાથે રેલી કાઢી શકાશે નહીં તથા અગ્નિશસ્ત્રમાં દારૂગોળો રાખી શકાશે નહીં.
હથિયાર લઇ જવાની ફરજ હોય, પરવાનગી આપી હોય કે અધિકૃત કરી હોય તે સિવાયની કોઇ વ્યકિત જાહેરનામાનો કોઇપણ ખંડનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનારને ઓછામાં ઓછી ૪ માસની અને વધુમાં વધુ ૧ વર્ષની સજા થશે. આ ઉપરાંત ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૫ (૧) મુજબ દંડની સજા થશે.
આ પણ વાંચો: કચ્છ : બેલામાં છાત્રોએ નિહાળ્યું શસ્ત્ર પ્રદર્શન