અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેર હવે ભાજપના થયા, કેસરીયો ખેસ ધારણ કર્યો
અમદાવાદ, 5 માર્ચ 2024, ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ વિસર્જનના આરે આવીને ઉભો રહ્યો છે. એક બાદ એક કાર્યકર પક્ષને અલવિદા કહી રહ્યો છે. ત્યારે ગઈકાલે રાજૂલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય અને પક્ષના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું હતું. હવે આ બંને નેતાઓ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયાં છે. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે કેસરીયો ખેસ પહેરી લીધો છે. રાજકીય સુત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતા જ સમગ્ર ઓપરેશન હાથ ધરી રહ્યાં છે. 7મી તારીખે મોટાપાયે કોંગ્રેસના કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવવાનો કાર્યક્રમ હોવાનું પણ જાણવા મળ્યું છે.
અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી ગઈકાલે રાજીનામું આપ્યું
અર્જુન મોઢવાડિયાએ ગઈકાલે કોંગ્રેસને રામ રામ કરી દીધા હતા. અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને મળીને ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. મોઢવાડિયાનું રાજીનામું સ્વીકારવા માટે વિધાનસભા સ્પીકર શંકર ચૌધરી થરાદનો કાર્યક્રમ ટૂંકાવીને ગાંધીનગર પહોંચ્યા હતા. આ બન્ને નેતા જ્યારે જાન્યુઆરીમાં કોંગ્રેસે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણને નકાર્યું ત્યારે પાર્ટીના નિર્ણય સામે અવાજ ઉઠાવ્યો હતો. અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેરે રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાના વિરોધ કરવા બદલ કોંગ્રેસ છોડી હોવાનું જણાવ્યું હતું.
કોંગ્રેસ સાથેના બંધનમાંથી મુક્ત થયો છુંઃ અંબરીશ ડેર
અંબરીશ ડેરે કહ્યું હતું કે, કોંગ્રેસ જે રીતે ચાલે એમાં હું સફળ થઈશ નહીં એમ મને લાગ્યું એટલે રાજીનામું આપ્યું. આ મારી રાજકીય સફર, દેશનું નેતૃત્વ, સ્થાનિક સ્તરે કોંગ્રેસ, હજારો કાર્યકરોનો આભાર. પ્રજા સાથે જે પક્ષ કનેક્શન ગુમાવે એ લાંબું ટકે નહીં અને એનજીઓ બની જાય. રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ ઠુકરાવ્યું. એ સમયે પણ મેં અવાજ ઉઠાવ્યો હતો. એ સમયે પણ જેણે પણ આ નિર્ણય કર્યો હોય એ પરથી પ્રતીતિ થાય કે પ્રજા સાથે સંવાદમાં કચાશ રહી છે. મારો અવાજ પહોંચ્યો નહીં એટલે રાજીનામું આપ્યું. કોંગ્રેસ સાથેના બંધનમાંથી મુક્ત થયો છું. હું મુક્તિ અનુભવુ છું.
આ પણ વાંચોઃગુજરાત: કોંગ્રેસની ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધી પાવાગઢ મંદિરે દર્શન કરવા જશે