અમદાવાદગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝ

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ, અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું

Text To Speech

અમદાવાદ, 4 માર્ચ 2024, લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ લગભગ સાફ થઈ ગઈ છે. આજના દિવસમાં કોંગ્રેસને બે મોટા ફટકા પડ્યાં છે. આજે સવારે રાજૂલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે રાજીનામું આપી દીધું છે અને હવે કોંગ્રેસના સૌથી સિનિયર અને દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેતાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. અર્જુન મોઢવાડિયાએ ગાંધીનગર જઈ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપ્યું હતું. તે ઉપરાંત  તેમણે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પણ પક્ષના હોદ્દાઓ પરથી રાજીનામું ધરી દીધું છે.

કપરા સમયમાં વિપક્ષમાં રહીને જવાબદારી નિભાવી
ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, કપરા સમયમાં વિપક્ષમાં રહીને જવાબદારી નિભાવી છે. મેં મારા પક્ષ માટે લોહી અને પરસેવો બન્ને આપેલા છે એટલે કોંગ્રેસ છોડવી મુશ્કેલ હતી.ઘણા સમયથી કોંગ્રેસમાં ગૂંગળામણ અનુભવતો હતો. પરંતુ મારા ટેકેદારોની લાગણી હતી કે, જે રીતે કોંગ્રેસ ચાલે છે એમા પરિવર્તન લાવી શકીશ નહીં એટલે મેં તમામ હોદ્દા પરથી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. મને સહયોગ આપનારા તમામ લોકોનો આભાર માનુ છું. દેશના લોકોની ઇચ્છા હતી કે રામ મંદિર બંધાય એ પછી પણ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ પણ ઠુકરાવ્યું. પરંતુ એ વખતે પણ જેણે પણ આ નિર્ણય કર્યો તેનો મેં વિરોધ કર્યો હતો. મારા રાજકીય જીવનની નવી શરૂઆત બધા મિત્રોને પૂછીને કરવાનો છું.

કોંગ્રેસમાંથી ધડાધડ રાજીનામા પડ્યા
ગુજરાતમાં તાજેતરમાં જ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પક્ષનો સાથ છોડી દીધો છે. સી.જે. ચાવડા, ધાનેરાના જોઈતાભાઈ પટેલ, ચિરાગ કાલરિયા, પૂર્વ સાંસદ નારણ રાઠવા સહિતના નેતાઓએ પક્ષને રામ રામ કહી દીધા છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પણ એક સમયે મજબૂત ગણાતી કોંગ્રેસ સાવ ખાલી થઈ ગઈ છે. હાલમાં ગેનીબેન ઠાકોર, જિજ્ઞેશ મેવાણી અને જગદીશ ઠાકોર સિવાય ત્યાં કોઈ મજબૂત નેતા રહ્યો નથી. 80 બેઠકો પર પહોંચેલી કોંગ્રેસ આ વખતે 17 બેઠકો પર આવીને અટકી ગઈ છે એમાં પણ ધારાસભ્યોના ધડાધડ રાજીનામા બાદ પેટા ચૂંટણીમાં શું થશે એ કહેવું પણ હાલ મુશ્કેલ છે.

કોણ છે કોંગ્રેસના દિગ્ગજ અર્જુન મોઢવાડિયા
અર્જુન મોઢવાડિયા વર્ષ 1997માં સત્તાવાર રીતે કોંગ્રેસ સાથે જોડાયા હતાં. તેઓ પ્રથમ વખત વર્ષ 2002માં પોરબંદર વિધાનસભા બેઠક પરથી ધારસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતાં. અર્જુન મોઢવાડિયાને વર્ષ 2004થી 2007 સુધી ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે ફરજ નિભાવવાની તક મળી હતી.તેઓ ફરી વર્ષ 2007માં પોરબંદર વિધાનસભા બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા. આ દરમિયાન તેમની માર્ચ 2011 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નિયુક્તિ થઈ હતી.અર્જુનભાઈ મોઢવાડિયાની ગણના માત્ર પોરબંદર જ નહીં સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના ટોચના નેતાઓમાં થાય છે. તેઓ મહેર સમાજના ટોચના આગેવાનોની હરોળમાં સ્થાન ધરાવે છે.પોરબંદરમાં મહેર સમાજ ઉપરાંત માછીમાર સમાજ, કોળી સમાજ, દલિત અને અન્ય ઓબીસી સમાજનું પીઠ બળ છે.

આ પણ વાંચોઃરાહુલ ગાંધીની ન્યાય યાત્રા સાતમી માર્ચે ગુજરાતમાં પ્રવેશશે, આઠમીએ દાહોદથી પદયાત્રા

Back to top button