ક્યાંક તમે પણ ખોટી રિલેશનશિપમાં તો નથી ને? ઓળખો આ સંકેતો પરથી
- બે વ્યક્તિ વચ્ચે પ્રેમ હોય તો ઝઘડા કે મતભેદો પણ હોય જ છે. લાઈફ કોઈ ફિલ્મની સ્ટોરી નથી કે તેમાં દરેક સમયે સારી વસ્તુઓ જ જોવા મળે. આ બધી બાબતો છતાં પણ તમારે એ જાણવું જરુરી છે કે તમે ક્યાંક ખોટી રિલેશનશિપમાં તો નથી ફસાયા ને?
દરેક રિલેશનશિપમાં પ્લસ પોઈન્ટ અને માઈનસ પોઈન્ટ હોય જ છે. બે વ્યક્તિ વચ્ચે પ્રેમ હોય તો ઝઘડા કે મતભેદો પણ હોય જ છે. લાઈફ કોઈ ફિલ્મની સ્ટોરી નથી કે તેમાં દરેક સમયે સારી વસ્તુઓ જ જોવા મળે. આ બધી બાબતો છતાં પણ તમારે એ જાણવું જરુરી છે કે તમે ક્યાંક ખોટી રિલેશનશિપમાં તો નથી ને? જો તમે સમયસર નહીં ચેતો તો તમારા માટે આ સંબંધોમાંથી બહાર નીકળવું મુશ્કેલ ભર્યું બની શકે છે. જાણો એવા કેટલાક સંકેતો વિશે જેના પરથી તમે તમારી રિલેશનશિપ વિશેનો અંદાજ લગાવી શકશો.
નાની વાતોમાં ઝઘડા
ઝઘડા થવા કે એક જ દિશામાં ન વિચારવું તે ભલે સામાન્ય બાબત હોઈ શકે, પરંતુ જો નાની નાની બાબતોમાં તમારે એવા ઝઘડા થતા હોય કે તમે તેનાથી કંટાળી જતા હો તો માનજો કે તમે કોઈ ખોટી રિલેશનશિપમાં છો. સતત સંઘર્ષ એ વાતનો સંકેત છે કે તમારો સંબંધ એટલો પરફેક્ટ નથી જેટલો તમે વિચારો છો. કોઈપણ સ્વસ્થ સંબંધમાં સમાધાન હોય છે સમસ્યા નહિ.
ઈમોશનલ બ્લેકમેલ
તમને કોઈ પણ સમયે એવુ અનુભવાય કે કોઈ નિર્ણય લેતી વખતે તમારો પાર્ટનર તમને ઈમોશનલી બ્લેકમેલ કરે છે, તમે તમારા માટે કોઈ નિર્ણય લઈ શકતા નથી તો તે એક સંકેત છે કે તમે ખોટા સંબંધમાં જીવી રહ્યા છો. સ્વસ્થ સંબંધમાં, સામે વાળી વ્યક્તિ તમારા દરેક નિર્ણયનું સન્માન કરે છે. સ્વસ્થ સંબંધ હંમેશા પર્સનલ લાઈફમાં પણ તમારો ગ્રોથ કરે છે.
કોઈ શર્ત હોતી નહીં પ્યારમેં..
તમને ક્યારેય પણ એવું ફીલ થયું છે કે તમારો પાર્ટનર તમને બદલવા ઈચ્છે છે. તમે જે નથી તેવા તમે બનો તેવી તમારી પાસે અપેક્ષા રાખે છે. મિત્રો યાદ રાખજો, ‘કોઈ શર્ત હોતી નહિ પ્યાર મેં…’ જો કોઈ વ્યક્તિ શરતો પર તમને પ્રેમ કરે છે, તમે જેવા છો તેવા સ્વીકારવાની તેની ભાવના નથી તો તમે એક ખોટી રિલેશનશિપમાં છો. જો તમે પાર્ટનરની ખુશી માટે તે ઈચ્છે એવા બની જાવ છો તો તમે ભુલ કરી રહ્યા છો.
રિલેશનશિપમાં ડર
શું તમને પણ વારંવાર તમારા સંબંધોમાં ઈમ્બેલેન્સ અને ડર લાગે છે? આ સંકેતો છે કે તમે ખોટા સંબંધમાં છો. જો તમને પણ એકલા રહેવાનો કે તમારો પાર્ટનર જતો રહેવાનો ડર લાગે છે, તો કદાચ તમે ખોટા સંબંધો નિભાવી રહ્યા છો. હેલ્ધી રિલેશનશિપમાં લોકો ખુશ રહે છે અને તેમને એકબીજાથી અલગ થવાનો ડર કે ચિંતા હોતી નથી. સ્વસ્થ સંબંધમાં રહેતા લોકો એકબીજાથી સંતુષ્ટ હોય છે.
હેલ્થ પર ખરાબ અસર
જો તમારી રિલેશનશિપ તમને સ્ટ્રેસ આપી રહી છે તો માનજો તમે ખોટા સંબંધોમાં કેદ છો. બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ સુખ-દુઃખની વહેંચણી કરવા માટે હોય છે. સાથે રહીને જીવનને માણવા માટે હોય છે, જો તમે સંબંધમાં રહીને ખુશ નથી અને જો તમે દરરોજ કોઈને કોઈ સ્વાસ્થ્ય સંબંધિત બીમારીનો સામનો કરી રહ્યા છો. તો તે સંકેત છે કે તમે ખોટા સંબંધમાં છો. વ્યક્તિની ખુશી જે અંદર હોય છે તે બહાર પણ દેખાઈ આવે છે.
આ પણ વાંચોઃ શરદી-ઉધરસ થવાનું કારણ શું છે?