સાસણ ગીર જવાનું વિચારો છો? તો જાણી લો સિંહ દર્શન ક્યાં સુધી બંધ રહેશે?
- 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સફારી પાર્ક બંધ રહેશે
જૂનાગઢ, 15 જૂન, જૂનાગઢના સાસણ ગીર જંગલમાં મુક્ત મને વિહરતા સિંહ પરિવારને નિહાળવા પ્રતિ વર્ષ લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ગીર સેન્ચુરીની મુલાકાતે આવે છે.અને જંગલ સફારી કરીને સિંહ દર્શન સાથે અન્ય વન્ય પ્રાણી નિહાળે છે તેમજ કુદરતી વન્ય જીવ શ્રુષ્ટિનો પર્યટકો આનંદ માણે છે. ત્યારે ચાર મહિના સુધી એટલે કે 16 જૂન થી 15 ઓક્ટોબર સુધી સિંહોનો સંવનન કાળ હોવાથી સફારી પાર્ક બંધ રહેશે. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ચાર મહિના સુધી સાસણ ગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવશે. આમ 15 ઓક્ટોબર પછી સાસણ ગીરમાં સિંહદર્શન શક્ય બનશે.
જંગલ સફારીની મુલાકાતે દેશ વિદેશથી લોકો આવે છે
ચોમાસાંની ઋતુમાં સિંહ સહિત વન્ય જીવો માટે સંવનનકાળ હોવાથી વન્ય જીવોને ખલેલ ન પહોંચે તે માટે સાસણના જંગલમાં ચોમાસાના ચાર મહિનાનું વેકેશન રાખવામાં આવે છે. નોંધનીય છે કે, વર્ષ 2023માં 1.95 લાખ પ્રવાસીઓએ જંગલ સફારી અને 6.88 લાખ પ્રવાસીઓએ દેવડીયા પાર્કની મુલાકાત લીધી હતી. જંગલ સફારીની મુલાકાત લેવા માટે દેશ વિદેશથી લોકો આવતા હોય છે. ચોમાસાના ચાર મહિના દરમિયાન જંગલમાં રસ્તાઓ ખૂબ જ કાચા હોવાને કારણે જીપ્સી ફસાઈ પણ શકે છે. ઉપરાંત માત્ર સિંહ નહીં, પરંતુ અન્ય પ્રજાતિઓનો પણ આ સમયગાળા દરમિયાન મેટિંગ ટાઈમ હોય છે, જેથી તેને ખલેલ ન પહોંચે તે માટે વેકેશન રાખવામાં આવે છે.
દેવળીયા સફારી પાર્ક ખુલ્લું રાખવામાં આવશે
વેકેશન દરમિયાન તમામ વન્યપ્રાણીઓની સંભાળ માટે તમામ વનકર્મીઓ ખડે પગે રહે છે. જો કે, પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકે તે માટે દેવળીયા સફારી પાર્ક ખુલ્લું રાખવામાં આવશે. આ સફારી પાર્કની મુલાકાત લેતા પ્રવાસીઓ ઓફિસિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન બુકિંગ પણ કરી શકશે. આ અંગે સાસણ ગીરના DCF મોહન રામએ મીડિયાને જણાવ્યું હતું કે, સાસણ ગીરમાં પ્રવાસીઓ અનેક આશાઓ સાથે આવતાં હોય છે. જેથી આ ચાર મહિના દરમિયાન પ્રવાસીઓ મજા માણી શકે તે માટે સફારી પાર્કના સ્થાને દેવળીયા પાર્ક ખુલ્લુ રાખવામાં આવશે.
હોટલ અને રેસ્ટોરાં માલિકોની માંગ
ચોમાસાના ચાર મહિના દરમિયાન સિંહનો પ્રજનન કાળ હોવાને કારણે આ નિર્ણય કરાયો છે. પરંતુ આ નિર્ણયના કારણે સફારી પાર્ક નજીક આવેલી 200થી વધુ હોટેલ અને રેસ્ટોરાં આવેલા છે. અભ્યારણ બંધ હોવાના કારણે હોટેલના ધંધા પર અસર પડશે. જેના કારણે તેઓ આ ચાર મહિનાનું વેકેશન ટૂંકુ કરવાની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો..દેશી જુગાડથી બનેલા હરતા-ફરતા ઘરનો વીડિયો થયો વાયરલ, લોકોએ પુછ્યું…