હાર્ટ એટેકનાં લક્ષણો શું મહિલાઓમાં પુરુષો કરતાં અલગ હોય છે?
- સ્ત્રીઓમાં હાર્ટ એટેકનાં લક્ષણો પુરુષો જેવા કે તેથી અલગ પણ હોઈ શકે છે આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે આ લક્ષણો શું અલગ હશે?
HD ન્યુઝ ડેસ્કઃ આપણી લાઈફસ્ટાઈલ અને ખાણીપીણીને કારણે આજકાલ હૃદય પર બોજ વધી રહ્યો છે, જેના કારણે હાર્ટ એટેકનું જોખમ વધી રહ્યું છે. હાર્ટ એટેકના કેસ માત્ર પુરૂષોમાં જ નહીં, પરંતુ મહિલાઓમાં પણ ઝડપથી વધી રહ્યા છે. ઘરની જવાબદારીઓ અને કામકાજને કારણે મહિલાઓ ઘણીવાર પોતાની હેલ્થની અવગણના કરે છે, જેના કારણે તેમનામાં હૃદયની બીમારીઓ વધી શકે છે. સ્ત્રીઓમાં હાર્ટ એટેકનાં લક્ષણો પુરુષો જેવા કે તેથી અલગ પણ હોઈ શકે છે આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે આ લક્ષણો શું અલગ હશે? સામાન્ય રીતે આપણે હાર્ટમાં દુખાવો થાય તેને જ હાર્ટ એટેક માનીએ છીએ, પરંતુ ના તેવું નથી. હાર્ટ એટેકનાં લક્ષણોને ઓળખવા જરૂરી છે.
સ્ત્રીઓમાં હૃદયરોગનું જોખમ કેમ વધી રહ્યું છે?
હેલ્થ એક્સપર્ટના મતે મહિલાઓમાં હાર્ટ એટેક આવવાનું મુખ્ય કારણ વધારે વજન અને સ્થૂળતા છે. ઘણા સંશોધનોમાં પણ આ સાબિત થયું છે. આજકાલ મહિલાઓ પણ સ્મોકિંગ અને ડ્રિંક કરે છે, જેના કારણે તેઓ હૃદયની બીમારીઓથી પીડાય છે. તે જ સમયે, વધુ પડતા મીઠાનું સેવન પણ તેમના માટે જોખમી છે. મહિલાઓ લાંબા સમય સુધી ઘરમાં રહે છે અને ઘરના કામના કારણે તે હેલ્થ પર ધ્યાન આપતી નથી, ફિઝિકલ એક્ટિવિટી થવી જોઈએ તેવી થતી નથી. જેના કારણે તેમનામાં હૃદયની સમસ્યાઓનું પ્રમાણ વધ્યું છે.
સ્ત્રીઓમાં હાર્ટ એટેક પહેલાં કયાં લક્ષણો દેખાય છે?
ડોક્ટર્સનું કહેવું છે કે હાર્ટ એટેક પહેલા સ્ત્રી અને પુરૂષ બંનેની છાતીમાં દુખાવો કે બેચેની હોય છે જેના કારણે દબાણ અને જકડ જેવી સમસ્યાઓ પણ થોડીવાર રહી શકે છે. આ સિવાય હાર્ટ એટેકનાં લક્ષણો ખભા, હાથ, પીઠ, ગરદન, જડબા કે પેટમાં પણ જોવા મળે છે. જો કે, એવું જરૂરી નથી કે તે હાર્ટ એટેક હોય, પરંતુ એ વાત પણ સંપૂર્ણપણે સાચી નથી કે મહિલાઓમાં હાર્ટ એટેકનાં લક્ષણો છાતીને બદલે ખભામાં જોવા મળે છે. હા, ખભામાં દુખાવો હાર્ટ એટેકનું લક્ષણ ચોક્કસપણે હોઈ શકે છે.
સ્ત્રીઓમાં હાર્ટ એટેકનાં અન્ય લક્ષણો
- તમને કોઈ કારણ વગર વધુ પડતો પરસેવો આવી શકે છે.
- માથાનો દુખાવો અથવા ઉબકા
- છાતીમાં દુખાવો સાથે શ્વાસ લેવામાં તકલીફ
- ઓછી મહેનતમાં પણ ખૂબ થાક લાગવો
આ પણ વાંચોઃ અચાનક હાર્ટબીટ વધી જાય છે તો ચેતો, આ કારણો હોઈ શકે છે જવાબદાર