અરવલ્લી: 31 મે, વિશ્વ તમાકુ નિષેધ દિવસ: મોડાસામાં ઠેર ઠેર જાગૃતિ ઝુંબેશ
પાલનપુર: 31 મે, વિશ્વ તમાકુ નિષેધ દિવસ અંતર્ગત વિશ્વભરમાં તમાકુની થતા નુકસાનથી બચવા સૌને જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવે છે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર પણ માનવમાત્રને કુરિવાજ નિવારણ, પર્યાવરણ સંરક્ષણ, વ્યસનમુક્તિ અભિયાન જેવા અનેક જન જાગૃતિના આંદોલન ચલાવી રહેલ છે. ત્યારે આજના વિશ્વ તમાકુ નિષેધ દિવસ પર મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની યુવા ટીમ ના માર્ગદર્શનમાં જન જાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી.
સવારથી જ સાધકો ગાયત્રી ચેતના કેન્દ્ર આવી અલગ અલગ ટીમ બનાવી મોડાસાના અનેક જાહેર સ્થાનો પર માનવ મહેરામણ વચ્ચે જઈ તમાકુના વ્યસનથી થતા નુકસાનથી સૌને જાગૃત કરવા પ્રયાસ હાથ ધરેલ. સૌ પોતાની સાથે વિશેષ પોસ્ટર સાથે વ્યસનમુક્તિના નારા બોલી ધ્યાન ખેંચવા પ્રયાસ કરેલ. પછી સૌને વ્યક્તિગત સંપર્ક કરી વ્યસનમુક્તિ વિષે સમજાવવા પ્રયાસ કર્યો. સૌને વ્યસનમુક્તિની સચિત્ર પુસ્તિકાઓ વિના મૂલ્યે આપી સમજાવી વ્યસનોથી દૂર રહેવા ભાવવિભોર શબ્દોમાં સમજાવવા ઝુંબેશ ચલાવી.
મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રના ભાઈઓ બહેનોએ મોડાસા શહેરમાં તમાકુથી બચવા જાગૃતિ ઝુંબેશ ચલાવી
આ સચિત્ર વ્યસનમુક્તિ પુસ્તિકા જેમના પણ હાથમાં મળી તેવા વડિલો ,યુવાઓ સૌ કોઈ ઉત્સુકતાથી પુસ્તક વાંચતા જોવા મળ્યા. મોડાસા બસ સ્ટેશન, ચાર રસ્તા, જેવા જાહેર સ્થાનો પર વધુ માનવ મહેરામણ હોય તેવા સ્થાનો પર વ્યસનમુક્ત રહેવા જન જાગૃતિ અભિયાન હાથ ધરેલ.
ગાયત્રી પરિવાર યુવા સંગઠન, ગુજરાતના સંયોજક તેમજ મોડાસાના અગ્રણી કાર્યકર કિરિટભાઈ સોનીના જણાવ્યાનુસાર આજના દિવસે સમગ્ર ગુજરાતમાં વ્યસનમુક્તિ ઝુંબેશ ચલાવવા અગાઉથી યોજના બનાવવામાં આવેલ. ગુજરાતભરમાં અનેક સ્થાનો પર તમાકુ નિષેધ જન જાગૃતિ અભિયાન અંતર્ગત વ્યસનમુક્તિ રેલી, જન સંપર્ક, પુસ્તિકા વિતરણ, પ્રોજેક્ટર દ્વારા પ્રેઝન્ટેશન, પ્રદર્શની જેવા અલગ અલગ કાર્યક્રમો ચલાવવામાં આવેલ છે.
આ પણ વાંચો :‘ગ્રીન ગુજરાત કલીન ગુજરાત’ અને ‘ગો ગ્રીન’ના મંત્ર થકી બિન-પરંપરાગત ઉર્જા ક્ષેત્રે ગુજરાત દેશભરમાં મોખરે