અરવલી: મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા ગુરુ પૂર્ણિમા પર્વની કરાઈ ઉજવણી
પાલનપુર: ગુરુપૂર્ણિમા પાવન પર્વ પર દરેક શિષ્ય પોતાના સદગુરુ દ્વારા લીધેલ દિક્ષાના સંકલ્પને યાદ કરી ગુરુપૂજન કરે છે. ગુરુના માર્ગદર્શનમાં પોતાના જીવનમાં દુર્ગુણો શોધી દુર કરવા નવ સંકલ્પ કરે છે. ગુરુ પોતાના શિષ્યોને સન્માર્ગે આગળ વધારવા પોતાની તપ શક્તિ, સદ્જ્ઞાન, સદ્વ્યવહાર સાથે પોતાના શિષ્ય સહિત માનવમાત્રના કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ રહે છે.
કથા-સત્સંગ સાથે ગુરુપૂર્ણિમા પાવન પર્વ ઉજવાયું
ગાયત્રી પરિવાર દ્વારા મોડાસા ખાતે છેલ્લા વીસેક વર્ષથી કથા-સત્સંગ સાથે ગુરુ પૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે પણ 30 જૂન થી 2 જુલાઈ ત્રણ દિવસ “રામ કથાની પ્રબળ પ્રેરણા” કથા-સત્સંગનો ભાવિક ભક્તોએ ખૂબ જ ઉત્સાહભેર લાભ લીધો. આજ 3 જુલાઈ, સોમવાર ગુરુ પૂર્ણિમા પર્વ પર સવારે 6 વાગેથી શુભારંભ થયો. મુખ્ય યજમાન ચંદ્રિકાબેન પટેલ, સોનલબેન પટેલ તથા જીજ્ઞેશભાઈ પટેલ દ્વારા દિપ પ્રાગટ્ય તથા દેવ પૂજનથી શુભારંભ કરવામાં આવ્યો. જેમાં ધ્યાન, ગાયત્રી મહામંત્રના સામુહિક જાપ, રશ્મિભાઈ પંડ્યા દ્વારા મંત્રોચ્ચાર સાથે અગિયાર કુંડી ગાયત્રી મહાયજ્ઞ , અરવિંદભાઈ કંસારાના મધુર સ્વરમાં સંગીત સાથે ગુરુશિષ્ય મહિમાના ગીતોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું.
કિરીટભાઈ સોની દ્વારા ગુરુસંદેશ આપવામાં આવ્યો. આ ઉપરાંત ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે તેમજ કથા સ્થાન ગાયત્રી સંસ્કાર ધામ ખાતે આવનાર દર્શનાર્થીઓને તિલક કરી હાથે નાડાછડી બાંધી સ્વાગત કરી દર્શનાર્થીઓ દ્વારા ગુરુ પાદુકા પૂજન કરવામાં આવ્યું. આજના આ ગુરુપૂર્ણિમા ઉત્સવ પર મોડાસા સહિતના આસપાસના અનેક ગામોના સાધકો પરિવાર સહ ઉપસ્થિત રહી ગુરુદિક્ષાના સંકલ્પોને યાદ કરી હવેથી વધુ શ્રદ્ધાં ,ભક્તિ, સમર્પણ અને અનુશાસનની ભાવના વધુ જગાવી પોતાના જીવનને વધુ શ્રેષ્ઠ બનાવી માનવતાની સેવામાં વધુ પ્રયાસ કરવા સંકલ્પિત બન્યા. ઉપસ્થિત રહેનાર સૌને માટે ભોજન-પ્રસાદ સાથે દરેકને તુલસીના રોપા પ્રસાદ વિતરણ સાથે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી.
આ પણ વાંચો : તેજસ્વી યાદવ સામે CBIએ ચાર્જશીટ દાખલ કરી, લેન્ડ ફોર જોબ કેસમાં આરોપી બનાવ્યો