ગુજરાત

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા-પાટણના૧૩પ ગામોને પાણી પહોંચાડવાની યોજનાને મંજૂરી

Text To Speech

પાલનપુર: ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણના ૧૩પ ગામોના ખેડૂતો, પશુપાલકો તથા ગ્રામીણ વસ્તીને પીવાના અને સિંચાઇના પાણી પહોંચાડવાનો માનવીય સંવેદનાસ્પર્શી મહત્વપૂર્ણ અભિગમ રાજ્યના મુખ્યમંત્રી એ અપનાવ્યો છે.આ હેતુસર સુજલામ-સુફલામ યોજના અન્વયે કસરા-દાંતીવાડા ઉદવહન પાઇપ લાઇન માટે ૧પ૬૬.રપ કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે. આ ઉપરાંત ડીંડરોલ-મુકતેશ્વર ઉદવહન પાઇપ લાઇન માટે પણ ૧૯૧.૭૧ કરોડ રૂપિયાના કામો હાથ ધરવાની અનૂમતિ આપી છે. બનાસકાંઠા જિલ્લાની ખાસ કરીને પાલનપૂર અને વડગામ તાલુકાની ગ્રામીણ વસ્તી, પશુપાલકો, ખેડૂતોની આ પાણી માટેની લોકલાગણી અને માંગણીનો સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. આ બેય ઉદવહન પાઇપ લાઇન યોજના સાકાર થવાથી અત્યાર સુધી નર્મદા મુખ્ય નહેરની સિંચાઇ સુવિધાથી વંચિત રહેલા બનાસકાંઠા જિલ્લાના પૂર્વ પ્રદેશના વિસ્તારોમાં સિંચાઇ સહિતના પાણીનો વિશ્વસનીય સ્ત્રોત ઉભો થશે. રાજ્યના બહુધા વિસ્તારોમાં નર્મદાના પાણીનો લાભ આપવાના હેતુથી હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી પદ તરીકેના કાર્યકાળ દરમ્યાન ર૦૦૪ માં સુજલામ સુફલામ યોજના અમલમાં મૂકી હતી. આ યોજનાના એક ભાગરૂપે ઉત્તર ગુજરાતના જિલ્લાઓને નર્મદા જળ આપવા નર્મદા મુખ્ય નહેર આધારિત ૧૪ પાઇપ લાઇન યોજનાના આયોજનમાંથી ૧ર પાઇપ લાઇન યોજનાઓ પૂર્ણ થઇને કાર્યરત પણ થઇ ગયેલી છે.

પાલનપુર-વડગામની જનતાની લોકલાગણીનો સકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી
હવે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાકી રહેલી ૩૦૦ ક્યુસેકની વહન ક્ષમતા ધરાવતી ૭૮ કિ.મી લંબાઇની કસરા-દાંતીવાડા ઉદવહન પાઇપ લાઇન યોજના માટે ૧પ૬૬.રપ કરોડ રૂપિયાની વહિવટી મંજૂરી આપી છે. તેમણે મુક્તેશ્વર ડેમમાં નર્મદા જળ પહોચાડવા ૧૦૦ ક્યુસેકની વહન ક્ષમતા વાળી ૩૩ કિ.મી લાંબી ડીંડરોલ-મુક્તેશ્વર ઉદવહન પાઇપ લાઇન યોજના માટે પણ ૧૯૧.૯૭ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. જ્યારે કસરા-દાંતીવાડા ઉદવહન પાઇપ લાઇનના કામો માટે જે વહિવટી મંજૂરી આપી છે તેના પરિણામે બનાસકાંઠા જિલ્લાના ડીસા, કાંકરેજ, દાંતીવાડા અને પાલનપૂર તાલુકાના ૭૩ ગામોના ૧પ૬ તળાવોને પાઇપ લાઇનથી જોડીને નર્મદા જળ અપાશે.

કસરા-દાંતીવાડા ૭૮ કિ.મીની પાઇપ લાઇનના કામો માટે રૂ. ૧પ૬૬ કરોડ મંજૂર
આ ઉપરાંત પાટણ જિલ્લાના હારીજ અને સરસ્વતી તાલુકાના ૩૩ ગામોના ૯૬ તળાવો ભરવામાં આવશે. કસરા-દાંતીવાડા ઉદવહન પાઇપ લાઇનથી સમગ્રતયા રપર તળાવો નર્મદા જળથી ભરાવાને કારણે અંદાજે દોઢ લાખ હેક્ટર જમીનને સિંચાઇ લાભ તેમજ ૩૦ હજારથી વધુ ગ્રામીણ ખેડૂતો પરિવારોને સિંચાઇ માટે, પીવા માટે અને પશુધન માટેના પીવાના પાણીની સુવિધા વધુ સરળતાએ મળતી થશે. જ્યારે ડીંડરોલ-મુકતેશ્વર જળાશય માટે ૩૩ કિ.મી ની ઉદવહન પાઇપ લાઇન યોજના માટે ૧૯૧.૯૭ કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપતાં વડગામ તાલુકાના ર૪ ગામોના ૩૩ તળાવોને પાઇપ લાઇનથી જોડવામાં આવશે. આ ઉપરાંત પાટણ જિલ્લાના સિદ્ધપૂર તાલુકાના પાંચ ગામોના ૯ તળાવો જોડાશે. આ ડીંડરોલ-મુક્તેશ્વર ઉદવહન પાઇપ લાઇન યોજના દ્વારા નર્મદાનું ૧૦૦ ક્યુસેક પાણી વહન કરીને મુક્તેશ્વર જળાશયમાં નાખવામાં આવશે અને લાંબા સમયથી સુકા રહેલા આ જળાશયમાં પાણી મળશે. બનાસકાંઠાના પૂર્વ દિશાના ઊંચાઇવાળા ગામોની ર૦ હજાર હેક્ટર જમીનોને સિંચાઇનો લાભ અપાશે.

 

પાણીના અભાવે બનાસકાંઠાના પશુધન માટે ચિંતાનો વિષય હતો
બનાસકાંઠામાં સરદાર સરોવર નર્મદા મુખ્ય નહેરનો બહુધા પિયત વિસ્તાર પશ્ચિમ ભાગમાં આવેલો છે. જિલ્લાનો લગભગ ર/૩ વિસ્તાર આ નર્મદા મુખ્ય નહેરની પૂર્વ દિશામાં છે અને તેને સિંચાઇની વિશ્વસનીય વ્યવસ્થા મળતી ન હતી. એટલું જ નહિ, ભૂગર્ભ જળ સ્તર પણ સતત ઊંડા જતા અને રાજ્યમાં સૌથી વધુ પશુધન ધરાવતા બનાસકાંઠામાં પશુઓ માટે પણ પાણી ન મળવું એ ચિંતાનો વિષય હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમસ્યાના નિવારણ રૂપે તેમજ બનાસકાંઠાના ગ્રામીણ નાગરિકોની લોકલાગણીનો સકારાત્મક પ્રતિસાદ આપી કસરા-દાંતીવાડા અને ડીંડરોલ-મુક્તેશ્વર એમ બે ઉદવહન પાઇપ લાઇન યોજનાને વહિવટી મંજૂરી આપી છે. મુખ્યમંત્રીના આ જનહિતકારી અભિગમને કારણે હવે આ યોજનાઓ સાકાર થવાથી બનાસકાંઠામાં ગ્રામીણ વિસ્તારોમાં આવનારા સમયમાં નર્મદા જળ પીવાના તેમજ સિંચાઇના ઉપયોગ માટે ઉપલબ્ધ બનશે.

Back to top button