- 8 હાઈવે પ્રોજેક્ટ્સ પર કુલ 50,655 કરોડ રૂપિયાનો ખર્ચ થશે
- PM મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટનો નિર્ણય
નવી દિલ્હી, 2 ઓગસ્ટ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે કુલ 936 કિલોમીટરની લંબાઇ સાથે 8 નેશનલ હાઇ-સ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટના નિર્માણને મંજૂરી આપી છે. સરકારે કહ્યું કે આ 8 હાઈવે પ્રોજેક્ટ્સ પર કુલ 50,655 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. સરકારે કહ્યું કે તે સુનિશ્ચિત કરશે કે જમીન સંપાદનની જરૂરિયાત ઓછી છે. કેન્દ્રીય માહિતી પ્રધાન અશ્વિની વૈષ્ણવે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે શક્ય હોય ત્યાં સુધી પ્રોજેક્ટ્સને બ્રાઉનફિલ્ડ્સ સાથે જોડવામાં આવશે. આ પ્રોજેક્ટ્સ સાથે સરકારનો ઉદ્દેશ લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા સુધારવા અને ભીડ ઘટાડવાનો છે. આ ઉપરાંત દેશભરમાં કનેક્ટિવિટી વધારવી પડશે. આ તમામ 8 હાઈવેમાં ગુજરાતના થરાદ અને અમદાવાદ વચ્ચેના 6 લેન હાઈવે મંજૂર કરવામાં આવ્યો છે.
10 હજાર કરોડના ખર્ચે બનશે હાઈ-સ્પીડ કોરિડોર
214 કિ.મી. 6-લેન હાઈ-સ્પીડ કોરિડોરને બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર (બીઓટી) મોડમાં વિકસાવવામાં આવશે, જેનો કુલ મૂડી ખર્ચ રૂ. 10,534 કરોડ છે. થરાદ-અમદાવાદ કોરિડોર ગુજરાત રાજ્યમાં બે મુખ્ય રાષ્ટ્રીય કોરિડોર – અમૃતસર-જામનગર કોરિડોર અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે વચ્ચે કનેક્ટિવિટી પ્રદાન કરશે, જેનાં પરિણામે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનનાં ઔદ્યોગિક વિસ્તારોમાંથી ઉદ્ભવતા માલવાહક વાહનોને મહારાષ્ટ્રનાં મુખ્ય બંદરો (જેએનપીટી, મુંબઈ અને નવા મંજૂર થયેલા વઢવાણ બંદર) સુધી સતત જોડાણ પ્રદાન થશે. આ કોરિડોર રાજસ્થાનનાં મુખ્ય પ્રવાસન સ્થળો (ઉદાહરણ તરીકે, મેહરાનગઢ કિલ્લો, દિલવાડા મંદિર વગેરે) અને ગુજરાત (દા.ત. રાની કા વાવ, અંબાજી મંદિર વગેરે)ને પણ કનેક્ટિવિટી પ્રદાન કરશે. તેનાથી થરાદ અને અમદાવાદ વચ્ચેનું અંતર 20 ટકા અને મુસાફરીના સમયમાં 60 ટકાનો ઘટાડો થશે, જેથી લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો થશે.
અન્ય ક્યાં નેશનલ હાઈવે મંજૂર થયા ?
થરાદ અને અમદાવાદ વચ્ચેના નેશનલ હાઈવે ઉપરાંત 6-લેન આગ્રા- ગ્વાલિયર નેશનલ હાઈ-સ્પીડ કોરિડોર, 4-લેન ખડગપુર- મોરેગ્રામ નેશનલ હાઈ-સ્પીડ કોરિડોર, 4-લેન અયોધ્યા રિંગ રોડ, રાયપુર-રાંચી નેશનલ હાઈસ્પીડ કોરિડોરનાં પાથલગાંવ અને ગુમલા વચ્ચે 4-લેન વિભાગ, 6-લેન કાનપુર રિંગ રોડ, 4-લેનનો નોર્ધન ગુવાહાટી બાયપાસ અને હાલના ગુવાહાટી બાયપાસને પહોળો કરવો/સુધારવો તેમજ પૂણે નજીક 8-લેન એલિવેટેડ નાસિક ફાટા- ખેડ કોરિડોરનો સમાવેશ થાય છે.