પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલની નિમણૂક, જાણો પ્રોટેમ સ્પીકરની શું હોય છે જવાબદારી
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય હાંસલ કર્યા બાદ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી સરકાર બની ગઈ છે, જેના ભાગરૂપે આજે વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે વડોદરાની માંજલપુર સીટના વિજેતા ઉમેદવાર યોગેશ પટેલની વરણી કરવામાં આવી છે.
યોગેશ પટેલની પ્રોટેમ સ્પીકર તરીકે વરણી
વડોદરાથી રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લને મુખ્ય દંડક તરીકે નિમવામાં આવ્યા બાદ વડોદરાની માંજલપુર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલને પ્રોટેમ સ્પીકર બનાવામાં આવ્યા છે. વિધાનસભામાં પ્રોટેમ સ્પીકર તરીકે જાહેર થયેલા માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ તમામ ધારાસભ્યોને શપથ લેવડાવવામાં આવશે.
પ્રોટેમ સ્પીકર એટલે શું ?
પ્રોટેમ સ્પીકર એવી વ્યક્તિ હોય છે જે વિધાનસભા અને લોકસભાના અધ્યક્ષ પદ પર થોડો સમય કામ કરે છે. તે કામચલાઉ હોય છે. પ્રોટેમ સ્પીકરની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. સામાન્ય રીતે તેમની નિમણૂક ત્યાં સુધી હોય છે જ્યાં સુધી વિધાનસભાના કાયમી અધ્યક્ષની પસંદગી ન થાય. પ્રોટેમ સ્પીકરના પદ પર ગૃહના સૌથી વરિષ્ઠ સભ્યને ચૂંટવામાં આવે છે. જે ગૃહમાં નવા અને સ્થાયી સ્પીકરની પસંદગી કરવામાં મદદ કરે છે. પ્રોટેમ સ્પીકર એવી વ્યક્તિને જ બનાવવામાં આવે છે જેઓ ઘણી વખત વિધાનસભાની ચૂંટણી જીત્યા હોય.
કઇ તારીખે લેવાશે શપથ
19 ડિસેમ્બરે નવા ધારાસભ્યોની શપથ લેવડાવામાં આવશે. ગાંધીનગર વિધાનસભામાં તેમની શપથ વિધીનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા તમામ ધારાસભ્યો 19મી ડિસેમ્બરે ધારાસભ્યો શપથ લેશે. ત્યાર બાદ 20મી ડિસેમ્બરે વિધાનસભાના નવા અધ્યક્ષની વરણી કરવામાં આવશે. વિધાનસભામાં પ્રોટેમ સ્પીકર તરીકે જાહેર થયેલા માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ તમામ ધારાસભ્યોને શપથ લેવડાવશે.
પ્રોટેમ સ્પીકરની જવાબદારી
નવા ધારાસભ્યોને શપથ લેવડાવવી, વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી હાથ ધરવી, ફ્લોર ટેસ્ટ કરવાનું કામ કરવું, સ્થાયી સ્પીકર ચૂંટાય ત્યાં સુધી ગૃહની ગતિવિધિઓઓ ચલાવવી, ગૃહની કામગીરીને સુચારૂ રીતે ચલાવવાનું કામ વગેરે જવાબદારીઓ સંભાળવાનું કામ પ્રોટેમ સ્પીકર કરતા હોય છે.
આ પણ વાંચો:“પક્ષ છોડીને તમારે ક્યાય નથી જવાનું”, આપના MLAને લોકોએ લેવડાવ્યું વચન