અમદાવાદ અને ગુજરાતના રિયલ એસ્ટેટ માર્કેટના જાણીતા ઉદ્યોગપતિ જક્ષય શાહની નામનામાં વધુ એક પીંછું ઉમેરાયું છે. જક્ષય શાહની આજે ગુરુવારે વડાપ્રધાન કાર્યાલય દ્વારા QCI એટલે કે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ના ચેરમેન તરીકે નિમણુંક કરવામાં આવી છે. જેના પગલે અમદાવાદ સહિત રાજ્યભરના અગ્રણીઓ દ્વારા તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
QCI શું છે ? કોના દ્વારા સ્થાપિત છે ?
QCI એટલે કે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા વર્ષ 1997 માં સ્થપાયેલ એક સ્વાયત્ત સંસ્થા છે. જે તેના નોડલ પોઈન્ટ તરીકે ઉદ્યોગ અને આંતરિક વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના પ્રમોશન માટે કાર્યરત છે. જક્ષય શાહ ભારતીય કોર્પોરેટ જગતના કેટલાક મોટા ગજાના લોકો જેમ કે રતન ટાટા, અરુણ માયરા, વેણુ શ્રીનિવાસન, અમિતાભ કાંત અને આદિલ ઝૈનીલભાઈનો વારસો લેશે જેઓ QCI ના ભૂતકાળના અધ્યક્ષ હતા.
CREDAI દ્વારા પણ પાઠવાયા અભિનંદન
જક્ષય શાહ ઘણાં વર્ષોથી અમદાવાદ તેમજ ગુજરાતભરમાં રિયલ એસ્ટેટ માર્કેટમાં કાર્યરત છે અને સારૂ એવું નામ ધરાવે છે. તેઓએ પોતાની મહેનત થકી એક આગવી ઓળખ ઉભી કરી છે. ત્યારે આજે તેઓ QCI ના ચેરમેન બનતા CREDAI ડો.વિક્રમ શાહ દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા અને તેઓ આવનારા દિવસોમાં આથી પણ વધુ પ્રગતિ કરે તેવી આશા છે.