બનાસકાંઠા જિલ્લા ભાજપમાં હોદ્દેદારોની નિમણૂંક, ડીસા શહેર અને તાલુકાના 10 કાર્યકર્તાઓનો સમાવેશ
બનાસકાંઠા 25 ડિસેમ્બર 2023 : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 156 બેઠકો મેળવીને રેકોર્ડ બ્રેક જીત મેળવી હતી. ત્યારે હવે આગામી સમયમાં યોજાનાર લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સંગઠનને મજબૂત બનાવવાના હેતુથી બનાસકાંઠા જિલ્લા ભાજપના સંગઠનમાં વિવિધ મોરચામાં હોદ્દેદારો નિમવામાં આવ્યા હતાં. જેમાં ડીસા શહેર અને તાલુકાના 10 કાર્યકર્તાઓને સ્થાન મળતાં બનાસકાંઠા જિલ્લામાં ડીસાનો દબદબો જળવાઈ રહ્યો છે.
ડીસા શહેર અને તાલુકાના 10 કાર્યકર્તાઓને સ્થાન મળ્યું
પ્રાપ્ત વિગતો પ્રમાણે બનાસકાંઠા જિલ્લા ભાજપમાં છેલ્લા ઘણાં સમયથી ખાલી પડેલા વિવિધ મોરચાના પદો પર હોદ્દાઓની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના આદેશથી બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા દ્વારા જિલ્લા ભાજપમાં કિસાન મોરચા, મહિલા મોરચા, યુવા મોરચા, અનુસૂચિત જાતિ મોરચા તેમજ બક્ષીપંચ મોરચાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં ડીસા શહેર અને તાલુકાના 10 કાર્યકર્તાઓને સ્થાન મળ્યું છે.
આ મોરચામાં ડીસા શહેર અને તાલુકાનો દબદબો
બનાસકાંઠા ભાજપ કિસાન મોરચામાં મંત્રી અર્જુનસિંહ વાઘેલા અને કસ્તુર માળીને સ્થાન મળ્યું છે. યુવા મોરચામાં મહામંત્રી અલ્કેશ જોષી અને કોષાધ્યક્ષ હિતેશ મોઢને સ્થાન આપવામાં આવ્યું છે. તે ઉપરાંત મહિલા મોરચામાં ઉપપ્રમુખ પૂજા ઠક્કર અને દક્ષા જોષીની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે બક્ષીપંચ મોરચામાં ઉપપ્રમુખ નરસિંહ રબારી અને સંજય ગેહલોત તથા અનુસૂચિત જાતિ મોરચામાં ઉપપ્રમુખ ચંદુભાઈ સોલંકી અને રેવાભાઈ પરમારને સ્થાન આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો : શું તમે અંબાલાલ પટેલની આગાહી સાચી પડતી હોવાનું માનો છો? તો જાણો.. નવા વર્ષમાં ઠંડી પડશે કે વરસાદ