કેન્દ્ર સરકારે દેશની 5 હાઈકોર્ટમાં નવા મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક માટે જાહેરનામું બહાર પાડ્યું છે. તેલંગાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સતીશ ચંદ્ર શર્માની દિલ્હી હાઈકોર્ટમાં બદલી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા એક નોટિફિકેશનમાં દિલ્હી હાઈકોર્ટના જજ વિપિન સાંઘીને ઉત્તરાખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેલંગાણા હાઈકોર્ટના જજ ઉજ્જલભૂયાનને તેલંગાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા છે.
બોમ્બે હાઈકોર્ટના જજ શિંદે સંભાજી શિવાજી રાજસ્થાન હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ અમજદ એહતેશામ સૈયદને હિમાચલ પ્રદેશના ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટના જજ રશ્મીન મનહરભાઈ છાયાની ગુહાટી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારે કોલેજિયમની ભલામણને મંજૂરી આપ્યા બાદ રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂંક વોરંટ જારી કરવામાં આવ્યું હતું. જસ્ટિસ શિંદે હાલમાં બોમ્બે હાઈકોર્ટમાં વરિષ્ઠતાના ક્રમમાં ત્રીજા ક્રમે છે. જસ્ટિસ અકીલ કુરેશીની નિવૃત્તિ બાદથી જસ્ટિસ એમએમ શ્રીવાસ્તવ રાજસ્થાનના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ છે. જસ્ટિસ શિંદેનો કાર્યકાળ માત્ર થોડા દિવસોનો હશે, તેઓ 1 ઓગસ્ટ, 2022ના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે.