રેલવે બોર્ડના અધ્યક્ષા અને CEO તરીકે જયા વર્મા સિન્હાની નિમણૂંક, આજથી ચાર્જ સંભાળ્યો
- જયા વર્મા સિન્હા બન્યાં રેલવે બોર્ડના પહેલાં મહિલા CEO અને અધ્યક્ષા
- 1988 બેંચના રેલવેના અધિકારી છે સિન્હા
કેન્દ્ર સરકારે ગુરુવારે એટલેકે 31 ઓગસ્ટના રોજ જયા વર્મા સિન્હાને રેલવે બોર્ડના CEO અને અધ્યક્ષા તરીકે નિમણૂક કર્યાં હતા. આ સાથે તે રેલવે મંત્રાલયના 105 વર્ષના ઈતિહાસમાં આ પદ સંભાળનાર પ્રથમ મહિલા બની ગયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર,મંત્રીમંડળની નિયુક્તિ સમિતિએ રેલવે બોર્ડના અધ્યક્ષા અને CEO તરીકે જયા વર્મા સિન્હાની નિમણૂંકને મંજૂરી આપી દીધી છે. સિન્હા રેલવે બોર્ડના નવા અધ્યક્ષા અને CEO તરીકે અનિલ કુમાર લાહોટીની જગ્યા લેશે અને 1લી સપ્ટેમ્બર, 2023નાં રોજ એટલે કે, આજે તેમણે તેમનો પદભાર ગ્રહણ કર્યો છે. તેઓ રેલવે બોર્ડના પહેલાં મહિલા અધ્યક્ષા પણ છે. વિજયલક્ષ્મી વિશ્વનાથન રેલવે બોર્ડનાં પહેલાં મહિલા સભ્ય હતાં.
અત્યાર સુધી રેલવેના ત્રણેય ક્ષેત્રોમાં કામ કરી ચુક્યા
મહત્વનું છે કે,જયા વર્મા સિન્હા અલ્હાબાદ વિશ્વવિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થિની છે. તેમણે 1988માં ઈન્ડિયન રેલવે ટ્રાફિક સર્વિર જોઈન કરી હતી. તેઓ અત્યાર સુધી રેલવેના ત્રણેય ક્ષેત્રોમાં કામ કરી ચુક્યા છે. તેમાં ઉત્તર રેલવે,દક્ષિણ પૂર્વ રેલવે અને પૂર્વી રેલવે સામેલ છે. સિન્હા અનિલ કુમાર લાહોટીની જગ્યા લેશે અને 1 સપ્ટેમ્બરે પદભાર સંભાળશે. તેમનો કાર્યકાળ 31 ઓગસ્ટ, 2024ના સમાપ્ત થશે.
કેબિનેટ નિમણૂંક સમિતિએ આપી મંજૂરી
સરકારના આદેશ અનુસાર કેબિનેટ નિમણૂંક સમિતિ (ACC)એ જયા વર્મા સિન્હાને ઓપરેશન બિઝનેસ ડેવલોપમેન્ટના મેમ્બર, રેલવે બોર્ડના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી (CEO)ના પદ પર નિમણૂંકને મંજૂરી આપી છે. મહત્વનું છે કે,સિન્હા બાલાસોર દુર્ઘટના બાદ રેલવેનો ચહેરો બન્યા હતા. આ દરમિયાન તેમણે મીડિયાને રેલવેની જટિલ સિગ્નલિંગ સિસ્ટમ વિશે જણાવ્યું હતું. નોંધનીય છે કે થોડા સમય પહેલા ઓડિશાના બાલાસોરમાં થયેલી દુર્ઘટનામાં લગભગ 300 લોકોના મોત થયા હતા.
ભારતીય હાઈ કમિશનમાં કામ કર્યું
તેમણે ચાર વર્ષ સુધી બાંગ્લાદેશના ઢાકામાં ભારતીય હાઈ કમિશનમાં રેલવે સલાહકાર તરીકે પણ કામ કર્યું. બાંગ્લાદેશમાં તેમના કાર્યકાળ દરમિયાન કોલકાતાથી ઢાકા સુધી દોડતી મૈત્રી એક્સપ્રેસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.રેલવેના સર્વોચ્ચ અધિકારી ભારતીય રેલવે બોર્ડના ચેરમેનનો પગાર હાલમાં લગભગ 2.25 લાખ રૂપિયા પ્રતિ માસ છે. આ સાથે તેમને વિશેષ ભથ્થા, મકાન, મુસાફરી અને અન્ય સુવિધાઓ જેવા અન્ય લાભો પણ મળે છે.
શું હોય છે રેલવે બોર્ડના અધ્યક્ષનું કામ?
રેલવે વિભાગના અધ્યક્ષ ભારતીય રેલવેના સૌથી મોટા અધિકારી હોય છે. જે રેલવેની સેવાઓનું નિર્દેશન, વિકાસ અને ઓપરેશન સંબંધિત નિર્ણયો કરે છે.
આ પણ વાંચો : ગુજરાત: રેલવેમાં મુસાફરી કરતા લોકો માટે મહત્ત્વની જાણકારી