ગુજરાત હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે 5 જ્યુડિશિયલ અધિકારીઓની નિમણૂક
ગુજરાત હાઈકોર્ટમાં 5 જ્યુડિશિયલ અધિકારીઓની ગુજરાત હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્રીય કાયદા મંત્રીએ આ અંગે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ભારતના બંધારણ હેઠળની સંબંધિત જોગવાઈઓ મુજબ 5 ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવી છે.
કોણ છે આ 5 એડિશનલ જજ ?
કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજીજુ દ્વારા ગઈકાલે તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરવામાં આવ્યું હતું અને તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 5 જ્યુડિશિયલ અધિકારીઓની ગુજરાત હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે નિમણૂક કરાઈ છે. કાયદા મંત્રી રિજીજુએ આ સાથે 5 નામોની યાદી પણ જાહેર કરી છે. નવા નિમાયેલા ગુજરાતના પાંચ ન્યાયાધીશોમાં (1) સુસાન વેલેન્ટાઈન પિન્ટો (2) હસમુખભાઈ દલસુખભાઈ સુથાર (3) જીતેન્દ્ર ચંપકલાલ દોશી (4) મંગેશ રમેશચંદ્ર મેંગડે તેમજ (5) દિવ્યેશકુમાર અમૃતલાલ જોશીનો સમાવેશ થાય છે.
ફેબ્રુઆરીમાં નિમણૂકને કેન્દ્રએ મંજૂરી આપી
ઉલ્લેખનીય છે કે, અગાઉ ગત ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટમાં પાંચ નવા જજોની નિમણૂકને લઇ કેન્દ્ર સરકારે મંજૂરી આપી હતી. આ જજોમાં રાજસ્થાન હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પંકજ મિથલ, પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સંજય કરોલ, મણિપુર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પીવી સંજય કુમાર, પટના હાઈકોર્ટના જજ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને અલાહાબાદ હાઈકોર્ટના જજ મનોજ મિશ્રાનો સમાવેશ થાય છે. કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ આ બાબતે જાણકારી આપી હતી.