રાજ્યના નવનિયુક્ત ૧૨૩ પશુ ચિકિત્સા અધિકારીને નિમણૂક પત્ર અપાયા
ગાંધીનગર, 21 ઓક્ટોબર : ગાંધીનગર ખાતે પશુપાલન મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને ગુજરાત સરકારના પશુપાલન વિભાગમાં નવનિયુક્તી પામેલા પશુ ચિકિત્સા અધિકારી વર્ગ-૨ને નિમણૂક પત્ર એનાયત કરવાનો સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે કૃષિ અને પંચાયત રાજ્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પશુપાલન મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે આશરે ૧૨૩ નવનિયુક્ત પશુ ચિકિત્સા અધિકારીઓને નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
નવનિયુક્ત પશુ ચિકિત્સા અધિકારીઓને શુભેચ્છાઓ પાઠવતા પશુપાલન મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, ગુજરાતના પશુ ચિકિત્સકો માત્ર તબીબી વ્યવસાયી નથી, તેઓ ગુજરાતમાં કૃષિ અને પશુપાલન ક્ષેત્રની વણથંભી વિકાસ યાત્રાના મહત્વપૂર્ણ ભાગીદાર, જાહેર સ્વાસ્થ્યના રક્ષક અને પ્રાણી કલ્યાણના ચેમ્પિયન છે. તેમના પરિણામે જ ગુજરાતનું પશુપાલન, ડેરી ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્ર આગળ વધી રહ્યું છે. ગુજરાત આજે દૂધ ઉત્પાદનમાં દેશમાં ચોથા ક્રમે છે, જ્યારે ભારત વિશ્વમાં પ્રથમ ક્રમાંકે છે.
વંચિતોને પ્રાથમિકતા આપવી એ જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારનો મૂળમંત્ર છે. આજે જે નવયુવાનોને નિમણૂક પત્રો એનાયત થયા છે, તેમાં રાજ્ય સરકાર દ્વારા મોટી સંખ્યામાં ગુજરાતના સરહદી જિલ્લા અને તાલુકાઓમાં શ્રેષ્ઠ પશુચિકિત્સકોને નિમણૂક આપીને છેવાડાના માનવીની સેવા કરવાનો આગવો અભિગમ દાખવ્યો છે. દુર્ગમ વિસ્તારમાં વસતા પશુપાલકો સુધી પહોંચીને પશુઓને યોગ્ય સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા મંત્રીએ સૌ પશુ ચિકિત્સકોને અનુરોધ કર્યો હતો.
આ પણ વાંચો :- લોરેન્સ બિશ્નોઈને મહારાષ્ટ્રમાં ચૂંટણી લડવાની ઑફર કરી દીધી આ પાર્ટીએ!