કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટ અગ્નિકાંડઃ IAS, IPS સહિત 13 અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરવા કોર્ટમાં અરજી

રાજકોટ, 29 મે 2024, શહેરના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયો હતો. આ અગ્નિકાંડ 27 લોકોને ભરખી ગયો હતો. ત્યાર બાદ એમાં નવા નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આ મામલે ટ્રાન્સફર કરાયેલા ત્રણ IPS અને એક IASની પૂછપરછ કરવામાં આવશે. તે ઉપરાંત IAS, IPS સહિત 13 અધિકારીઓ સામે ગુનો દાખલ કરવા રાજકોટ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજીને કોર્ટે માન્ય રાખી છે. આગામી 20 જૂને આ અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે. રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ સામે ફરિયાદ નોંધાય તેવી શક્યતાઓ છે.

IAS-IPS સામે ગુનો દાખલ કરવા અરજી
રાજકોટના વકીલ વિનેશ કદમકાન્તભાઈ છાયા દ્વારા રાજકોટની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેમાં રાજકોટના તત્કાલીન પોલીસ કમિશનર, તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર, તત્કાલીન જોઈન્ટ પોલીસ કમિશનર, તત્કાલીન ડીસીપી સહીત 13 લોકો સહીત તપાસમાં ખુલે તે અન્ય વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માંગ કરવામાં આવી છે. કોર્ટે એરજી માન્ય રાખીને વધુ સુનાવણી 20 જૂને હાથ ધરાશે તેવું જણાવ્યું છે. આ ઉપરાંત જવાબદાર અને બદલી થયેલા અધિકારીઓની સંપત્તિની તપાસ માટે પણ કાર્યવાહી કરવામાં આવશે. મહેસુલ વિભાગના સચિવ આઈ.એસ.પ્રજાપતિ ગાંધીનગરથી રાજકોટ પહોંચ્યા. રાજકોટ આવ્યા બાદ તેઓ ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યા હતા.

ACB જવાબદાર અધિકારીઓની મિલકતની તપાસ કરશે
આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં SITના વડાએ એક બાદ એક તમામ સબંધિત વિભાગ કે જે ગેમ ઝોનની મંજૂરી સાથે સંકળાયેલા છે એની માહિતી આપી હતી. તેમણે મીડિયાને કહ્યું હતું કે, જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાશે. બીજી તરફ આ ઘટનામાં જવાબદાર અધિકારીઓની મિલકતો અને બેંક બેલેન્સની તપાસ કરવામાં આવશે. આ માટે ACB પણ સક્રિય થઈ ગઈ છે. અગ્નિકાંડ મુદ્દે સસ્પેન્ડ કરાયેલા પોલીસ અધિકારીઓને DGP ઓફિસનું તેડું આવ્યું છે. DGP ઓફિસ ખાતે તમામ અધિકારીઓની આખરી પૂછપરછ કરવામાં આવશે.બદલી પામેલા નવા અધિકારીઓને ડીજીપી ઓફિસ ખાતે બોલાવવામાં આવ્યા છે.હાલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કેટલાક અધિકારીઓની પૂછપરછ કરાઈ રહી છે.

ચાલુ મીટિંગમાંથી RMCના TPOની અટકાયત
ક્રાઈમ બ્રાન્ચ ખાતે એમડી સાગઠીયાને પૂછપરછ માટે લાવવામાં આવ્યા છે. અગ્નિકાંડ સામે આવ્યા બાદ ટાઉન પ્લાનિંગ ઓફિસરના પદ પરથી એમડી સાગઠીયાને દૂર કરવામાં આવ્યા છે. એમડી સાગઠીયાનો ચાર્જ રૂડાના અધિકારીને આપવામાં આવ્યો છે. SITના વડા સુભાષ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે, પહેલીવાર સ્થળની મુલાકાત લીધી ત્યારે અમારામાં પણ તમારી જેમ જ આક્રોશ અને વેદના છે. IAS અને IPS અધિકારીને બોલાવીને પૂછપરછ માટેની સૂચના ગૃહમંત્રીએ આપી છે. કોઇપણ હોય તે તમામની પૂછપરછ કરવામાં આવશે.જે પણ વિભાગના અધિકારી જવાબદાર છે એની સામે કાર્યવાહી કરવા સૂચના આપી છે.

આ પણ વાંચોઃરાજકોટ અગ્નિકાંડ મુદ્દે IPS અને IASની પૂછપરછ થશે, ચાલુ મીટિંગમાંથી RMCના TPOની અટકાયત

Back to top button