એપલે તેનો પ્રોજેક્ટ ટાઇટન કર્યો બંધ, સેંકડો કર્મચારીઓની નોકરી ખતરામાં
કેલિફોર્નિયા, 28 ફેબ્રુઆરી : iPhone નિર્માતા એપલે તેના અબજ ડોલરના ઇલેક્ટ્રિક કાર પ્રોજેક્ટને લઈને મોટી જાહેરાત કરી છે. કંપનીએ આ કાર પ્રોજેક્ટને રદ કરવાનો નિર્ણય લીધો છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ દ્વારા ટેસ્લાને ટક્કર આપવા માટે કંપની આગામી કેટલાક વર્ષોમાં બજારમાં પોતાનો પહેલો ઇલેક્ટ્રિક વ્હીકલ પ્રોજેક્ટ (EV પ્રોજેક્ટ) લોન્ચ કરવાની હતી. પરંતુ હવે કંપનીએ તેનો કાર પ્રોડક્શન પ્રોજેક્ટ બંધ કરી દીધો છે.
27 ફેબ્રુઆરીના રોજ ચીફ ઓપરેટિંગ ઓફિસર જેફ વિલિયમ્સ અને વાઇસ પ્રેસિડેન્ટ કેવિન લિંચ દ્વારા આંતરિક રીતે જાહેર કરાયેલા નિર્ણયથી પ્રોજેક્ટ સાથે સંકળાયેલા કર્મચારીઓને આંચકો લાગ્યો હતો.
છટણીના સંકેત
એપલે તેના ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) કાર પ્રોજેક્ટને કાયમી ધોરણે હોલ્ડ પર મૂક્યો હોવાના અહેવાલ છે. જેના કારણે આ વિભાગમાં કામ કરતા સેંકડો કર્મચારીઓ પર છટણીનો ભય તોળાઈ રહ્યો છે, કારણ કે પ્રોજેક્ટની તમામ કામગીરી બંધ થઈ ગઈ છે.એક અહેવાલ મુજબ, કંપની સંભવતઃ ટીમમાંથી સેંકડો કર્મચારીઓની છટણી કરશે અને આ પ્રોજેક્ટ પરનું તમામ કામ અટકાવી દેવામાં આવ્યું છે. કેટલાક કર્મચારીઓને Appleના જનરેટિવ AI (GenAI) પ્રોજેક્ટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવશે. એપલ કાર પ્રોજેક્ટમાં અંદાજે 2000 કર્મચારીઓ હતા.
એપલ કાર ક્યારે લોન્ચ કરવામાં આવવાની હતી?
ડિસેમ્બર 2023 માં, કંપનીએ તેની ઇલેક્ટ્રિક કાર જેનું નામ Apple કાર છે તેનું લોન્ચિંગ વર્ષ 2026 સુધી મુલતવી રાખ્યું હતું, એવી આશા હતી કે આ કારની કિંમત એક લાખ ડોલરથી ઓછી હોત. આઇફોન નિર્માતાએ સ્ટીયરિંગ વ્હીલ અથવા પેડલ વગરની એક કાર બનાવવામાં આવે, જેનાથી મુસાફરો લિમોઝીન-શૈલીના વાહનમાં એકબીજાની સામે બેસી શકે.
અગાઉના અહેવાલો અનુસાર, પ્રોજેક્ટનો અવકાશ પાછળથી ઘટાડવામાં આવ્યો હતો અને ડ્રાઇવરની સીટ, સ્ટીયરિંગ વ્હીલ અને પેડલ્સ સાથે વધુ પરંપરાગત ડિઝાઇન બનાવવામાં આવી હતી.
પ્રોજેક્ટ ક્યારે શરૂ થયો?
એપલે સૌપ્રથમ 2014 માં “પ્રોજેક્ટ ટાઇટન” નામના તેના કાર પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું હતું. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહન (EV) વિકસાવવાનો હતો, પરંતુ શરૂઆતથી જ નેતૃત્વ અને વ્યૂહરચના પડકારોનો સામનો કરવો પડ્યો હતો. Lynch અને Williams એ થોડા વર્ષો પહેલા Doug Fieldની વિદાય બાદ કાર્યભાર સંભાળ્યો હતો, જે હવે ફોર્ડ મોટર કંપનીમાં વરિષ્ઠ એક્ઝિક્યુટિવ છે.
આ પણ વાંચો : નીતા અંબાણીને મોટી જવાબદારી મળી શકે છે, રિલાયન્સ-ડિઝની મર્જર પર મોટું અપડેટ!