અમદાવાદટ્રેન્ડિંગમનોરંજનવિશેષ

‘શૈતાન’ ઉપરાંત આ ફિલ્મો પણ છે ઓફિશિયલ રિમેક

અમદાવાદ, 17 માર્ચ 2024:  અજય દેવગણ, આર. માધવન અને જ્યોતિકા અભિનીત ફિલ્મ શૈતાન હાલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મે તેના રીલીઝના થોડાં સમયમાં જ કરોડોમાં કમાણી કરી લીધી છે. આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ‘વશ’ની ઓફિશિયલ રિમેક છે જેમાં ગુજરાતનાં લોકલાડીલા કલાકારો હિતેન કુમાર અને હિતુ  કનોડિયા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ત્યારે આજે ચાલો જાણીએ કે બીજી કઈ એવી હિન્દી ફિલ્મ છે જે મૂળ ગુજરાતી ફિલ્મ પરથી બની હોય..

102 નૉટ આઉટ 

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને સ્વ. ઋષિ કપૂર અભિનીત આ ફિલ્મ ઉમેશ શુક્લ એ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મની વાર્તા એક 102 વર્ષના પિતા અને 75 વર્ષના પુત્રના સંબંધને ખૂબ સુંદરતાથી દર્શાવે છે.
વાત કરીએ આ ફિલ્મની તો આ ફિલ્મ એક ખૂબ જાણીતા ગુજરાતી નાટક ‘102 નૉટ આઉટ’ પરથી બની છે, જેનાં લેખક છે જાણીતા ફિલ્મ રાઇટર અભિજાત જોશીના ભાઈ સૌમ્ય જોશી. સૌમ્ય જોશીના ગુજરાતી નાટકે ગુજરાત અને મુંબઇમાં ધૂમ મચાવ્યાં બાદ આ નાટક પરથી હિન્દી ફિલ્મ બની હતી.

સુપર નાની

વર્ષ 2014માં આવેલી ફિલ્મ સુપર નાની પણ એક પ્રખ્યાત ગુજરાતી નાટક ‘બાએ મારી બાઉન્ડ્રી ‘ પર આધારીત છે . આ એક સામાજીક કોમેડી નાટક છે જેમાં ‘બા’ પોતાનું આખું જીવન પરિવારની સેવામાં વિતાવે છે છતાં ઘરમાં ખાસ તેમની કોઈ કદર કરતું નથી અને એક દિવસ તેમનો પૌત્ર ફોરેનથી આવે છે અને બા નું મેકઓવર કરે છે. ઓરિજિનલ નાટકમાં આ બા નું પાત્ર ખૂબ જ જાણીતા અદાકારા પદ્મા રાણીએ ભજવ્યું હતું, આ જ નાટક પરથી બનેલી હિન્દી ફિલ્મ સુપર નાની માં નાનીના પાત્રમાં સદાબહાર રેખા જોવા મળ્યા હતા અને તેમના દોહિત્રનું પાત્ર જાણીતા એક્ટર શરમન જોશીએ ભજવ્યું હતું.

ઑહ માય ગોડ 

વર્ષ ૨૦૧૨માં રિલીઝ થયેલી આ ફિલ્મને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. આ ફિલ્મમાં ખિલાડી અક્ષય કુમાર ભગવાન શ્રી કૃષ્ણના અવતારમાં જોવા મળ્યા હતા તો તેમની સાથે પરેશ રાવલે પણ આ ફિલ્મમાં અભિનય કર્યો હતો. ધરતીકંપના લીધે પોતાની દુકાન ગુમાવનાર કાનજી કોર્ટમાં ભગવાન સામે દાવો માંડે છે અને કેવી રીતે સાવ નાસ્તિક કાનજી ભગવાનમાં શ્રદ્ધા ધરાવતો થઈ જાય છે તે આનું કથાબીજ છે. જો કે આ ફિલ્મનો બીજો ભાગ ઑહ માય ગોડ- ૨ પણ રિલીઝ થઈ ચૂકી છે ત્યારે આ પહેલી ઑહ માય ગોડ ફિલ્મ એ મૂળ ગુજરાતી નાટક કાનજી વિરુદ્ધ કાનજી પરથી બનેલી છે જેમાં કાનજીની ભૂમિકા જાણીતા કલાકાર ટીકુ તલસણિયાએ ભજવી હતી.

ગુજરાતી નાટક પરથી બની છે આ ફિલ્મો પણ 

આ ઉપરાંત અમિતાભ બચ્ચન અને અક્ષય કુમાર અભિનીત ફિલ્મ ‘વક્ત – રેસ અગેઈન્સ્ટ ટાઈમ’ એ સારાભાઈ vs સારાભાઈના રોશેષ એટલે કે આતિશ કાપડિયાએ લખેલા ગુજરાતી નાટક ‘આવજો વ્હાલા ફરી મળીશું’ પર આધારિત છે.આ ફિલ્મમાં શેફાલી શાહ અને પ્રિયંકા ચોપરા હતા. તો ગુજરાતી નાટક ‘આંધળો પાટો’ પરથી હિન્દી ફિલ્મ ‘આંખે’ બની હતી જેમાં અમિતાભ બચ્ચન , અક્ષયકુમાર , પરેશ રાવલ, અર્જુન રામપાલ અને સુષ્મિતા સેન જોવા મળ્યા હતા.

રાજેશ ખન્નાની ઇત્તેફાકના મૂળમાં પણ આ ગુજરાતી નાટક

તો વર્ષ ૧૯૬૯માં સ્વ. રાજેશ ખન્નાની બોક્સ ઓફિસ હીટ ‘ઇત્તેફાક’ જે એક સસ્પેન્સ થ્રીલર ફિલમ હતી તે સરિતા જોશી અભિનીત ગુજરાતી નાટક ‘ધૂમસ’ પરથી બની હતી.

ગુજરાતી ફિલ્મની મરાઠી રિમેક

તો હિન્દી સિવાય વિપુલ મહેતાની વર્ષ ૨૦૧૯માં આવેલી સિદ્ધાર્થ રાંદેરિયા અભિનીત ફિલ્મ ‘ચાલ જીવી લઈએ’ની મરાઠી રિમેક ‘ઓલે આલે’ બની જેમાં લોકપ્રિય અભિનેતા નાના પાટેકર સિદ્ધાર્થ રાંદેરિયાની ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ સિવાય વર્ષ ૨૦૧૫માં આવેલી સુપરહિટ ફિલ્મ ‘છેલ્લો દિવસ’ની પણ હિન્દી રિમેક ‘Days ઑફ ટફરી’ બની હતી જે હિન્દીમાં ખાસ ચાલી નહતી.

આ પણ વાંચો:

 બોલિવૂડ હંગામાઃ રાજકીય ફિલ્મોની એક આખી શ્રેણી તૈયાર છે, કેટલી સફળ થશે?

બસ્તર, ધ નક્સલ સ્ટોરીઃ રાષ્ટ્રવિરોધીઓની ઓળખ કરાવતી ફિલ્મ

Back to top button