ગુજરાત ઉપરાંત વધુ પાંચ રાજ્યો પર બિપરજોય કરશે પોતાની ખતરનાક અસર
ગાંધીનગર: આજે સાંજના પાંચ વાગ્યા સુધીમાં બિપરજોય ચક્રવાત ગુજરાતના સૌરાષ્ટ્ર તથા કચ્છના કાંઠા વિસ્તાર સાથે ટકાર જેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ વાવાઝોડું આંશિક નબળું પડી રહ્યું હોવાના પણ અહેવાલ છે પણ સંકટ યથાવત છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વાવાઝોડું ત્રાટકશે ત્યારે 150 કિ.મી. પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. જોકે બિપરજોય વાવાઝોડાની અસર ફક્ત ગુજરાત અને મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ હરિયાણા, પંજાબ સહિત અનેક રાજ્યોમાં દેખાઈ રહી છે.
દરિયાકાંઠે ટકરાયા બાદ આગામી 4-5 દિવસો સુધી આ વાવાઝોડાનું પવન 30-40 કિ.મી. પ્રતિકલાકની ઝડપે પૂર્વ તરફ આગળ વધશે. તેનાથી દિલ્હી સહિત પંજાબ, હરિયાણા અને પશ્ચિમ યુપીના અમુક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. એક અહેવાલ અનુસાર 18 જૂનથી દિલ્હી અને તેની આજુબાજુના વિસ્તારોમાં વાવાઝોડાના પવનની અસર દેખાવા લાગશે.
આ પણ વાંચો- બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતના આ વિસ્તારમાં વરસાદનું રેડ એલર્ટ
બિપરજોય વાવાઝોડાને લઈને ગુજરાત સજ્જ
રેલવેએ દરિયાકાંઠાના વિસ્તારો સુધી ચાલતી ટ્રેનોને બે દિવસ અગાઉ જ રદ કરવાની જાહેરાત કરી હતી. તો ગુજરાત સરકારે અત્યાર સુધીમાં 80 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દીધા છે. ખેતરોમાં ઊભા પાક, વૃક્ષો અને બગીચાઓને નુકસાન થવાની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર બિપરજોય વાવાઝોડું સાંજના 5 વાગ્યાની આજુબાજુ દરિયાકાંઠે ટકરાઈ શકે છે અને પછી તેનું લેન્ડફોલ માંડવીથી કરાચી વચ્ચે થઈ શકે છે.
ઉલ્લેખનિય છે કે, ગુજરાત સરકારે જાનહાનિ ન થાય તે માટે પોતાની તરફથી સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. જોકે, હવે વાવાઝોડું કેટલી તીવ્રતા સાથે જમીન પર ત્રાટકે છે, તેના ઉપર આધાર રાખવામાં આવી રહ્યો છે. તમામ તૈયારી હોવાના કારણે લોકોના જીવ બચાવી શકાશે પરંતુ કેટલાક અન્ય નુકશાન થવાથી અટકી શકાશે નહીં. ઉપેલા ભાક સહિત વૃક્ષ, વિજ પોલ, મકાન, ઢોર-ઢાંખરમાં નુકશાન થવાની શક્યતા દેખાઈ રહી છે.
આ પણ વાંચો- અમદાવાદમાં બિપોરજોય વાવાઝોડાની અસરને જોતા AMCએ લીધો મોટો નિર્ણય