ગુજરાતટોપ ન્યૂઝ

વડોદરાનો કોઈપણ વકીલ હરણી તળાવ બોટ દુર્ઘટનાના આરોપીઓનો કેસ નહીં લડે

Text To Speech

અમદાવાદ, 19 જાન્યુઆરી 2024, વડોદરામાં ગઈકાલે હરણી તળાવમાં ઘટેલી બોટ દુર્ઘટનામાં 14 લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ થયાં છે. શિક્ષકો સહિત નાના ભૂલકાંઓ તળાવમાં ડૂબી જવાની ઘટનાના પડઘા હવે હાઈકોર્ટમાં પડ્યાં છે. એડવોકેટ એસોસિએશન દ્વારા હાઈકોર્ટને સમગ્ર ઘટનામાં સુઓમોટો લેવા માટે વિનંતી કરવામાં આવી છે.હાઈકોર્ટે એસોસિએશનને અહેવાલ રજૂ કરવા કહ્યું છે. કોર્ટ સમાચારપત્રોમાં આવેલા અહેવાલો પણ રજૂ કરવાનો હૂકમ કર્યો છે. બીજી તરફ આ ઘટનામાં કોઈપણ વકીલ આરોપીઓનો કેસ નહીં લડે તેવો વડોદરાના વકીલ મંડળએ મહત્ત્વનો નિર્ણય લીધો છે.

વકીલ મંડળની સુઓમોટો દાખલ કરવા રજૂઆત
એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી દ્વારા ચીફ જજની કોર્ટમાં સુઓમોટો દાખલ કરવા રજૂઆત કરાઈ હતી. બ્રિજેશ ત્રિવેદીએ કહ્યું છે કે, આ ખૂબ કરુણ ઘટના હોવાથી હાઈકોર્ટે આ ઘટનામાં સુઓમોટો લેવો જોઈએ. કોર્ટે ન્યુઝ પેપરમાં પ્રકાશિત થયેલા અહેવાલ સહિતના દસ્તાવેજો માંગ્યા છે. હવે કોર્ટને દરેક ડોક્યુમેન્ટ આપવા પડશે. વડોદરામા બોટ પલટી થવાની ઘટનામાં જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલના આચાર્ય અને પ્રતિનિધિઓને બોલાવ્યા છે. રુબરુ મુલાકાત બાદ શિક્ષણ વિભાગ જવાબદારી નક્કી કરાશે.

પોલીસ કમિશ્નરે SITની રચના કરી
આ દુર્ઘટનાની તપાસ માટે વડોદરા શહેર પોલીસ કમિશનરે SITની રચના કરી છે. ગુનાની તપાસ ACP ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવેલ છે.અધિક પોલીસ કમિશનર મનોજ નિનામાના અધ્યક્ષ સ્થાને આ ટીમની રચના કરવામાં આવી છે. જેમાં 7 પોલીસ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પન્ના મોમાયા, ના.પો.કમિશનર, ઝોન-4, વડોદરા શહેર, યુવરાજસિંહ જાડેજા, ના.પો.કમિશનર, ક્રાઇમ બ્રાન્ચ, વડોદરા શહેર, એચ.એ.રાઠોડ, મદદનીશ પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાન્ચ, વડોદરા શહેર, સી.બી.ટંડેલ, PI, હરણી પોલીસ સ્ટેશન, એમ.એફ.ચૌધરી, PI, ક્રાઇમ બ્રાન્ચ, વડોદરા શહેર (સભ્ય), પી.એમ.ધાકડા, PSI, ડી.સી.બી. પો.સ્ટે., વડોદરા શહેરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ હાઈકોર્ટે વડોદરાની ઘટના અંગેના અહેવાલ મંગાવ્યા, સ્કૂલના આચાર્યને ગાંધીનગરનું તેડું

Back to top button