કોઈપણ મતભેદોને વાતચીતથી ઉકેલી શકાય, નેપાળના પૂર્વ PM ઓલીનું ભારતના વિદેશ સચિવને નિવેદન
નેપાળના પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલી મંગળવારે નેપાળની મુલાકાતે આવેલા ભારતના વિદેશ સચિવ વિનય ક્વાત્રાને મળ્યા હતા. આ દરમિયાન, તેમણે કહ્યું, બંને દેશો વચ્ચેના કોઈપણ મતભેદોને વાતચીત દ્વારા ઉકેલી શકાય છે. ઓલીના વિદેશી બાબતોના સલાહકાર રાજન ભટ્ટરાઈએ જણાવ્યું હતું કે, બંને નેતાઓએ ભારત-નેપાળ દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાઓ પર વ્યાપક ચર્ચા કરી હતી. આ દરમિયાન ઓલીએ કહ્યું કે, નેપાળ અને ભારતના સંબંધો ઘણા જૂના છે. આ સંબંધોને મુત્સદ્દીગીરીની આધુનિક પરિભાષામાં વ્યાખ્યાયિત કરી શકાતા નથી.
નજીકના મિત્રો વચ્ચે મતભેદ સ્વાભાવિક છે
મીટિંગ દરમિયાન ઓલીએ ભારત-નેપાળ સંબંધો વિશે કહ્યું કે, નજીકના મિત્રો સાથે કેટલાક મતભેદ હોવા સ્વાભાવિક છે અને હું માનું છું કે કોઈપણ પ્રકારના મતભેદોને વાતચીતના માધ્યમથી ઉકેલી શકાય છે. તેમણે કહ્યું કે, નેપાળ અને ભારત વચ્ચે ઘણા કરારો અમલમાં આવ્યા છે અને જે હજુ પૂરા થવાના બાકી છે તે સમયસર લાગુ કરવામાં આવશે.