અનુરાગ કશ્યપને પુત્રી આલિયાને લઈ આ બાબતનો અફસોસ ! કહ્યું- ‘માફી માગવામાં મોડું થઈ ગયું’
અનુરાગ કશ્યપનું નામ બોલિવૂડના દિગ્ગજ ફિલ્મ નિર્માતાઓમાં ગણવામાં આવે છે. અનુરાગની પર્સનલ લાઈફ ઘણીવાર હેડલાઈન્સનો હિસ્સો રહી છે. તાજેતરમાં જ તેની પુત્રી આલિયા કશ્યપે તેના વિદેશી બોયફ્રેન્ડ શેન ગ્રેગોઇર સાથે સગાઈ કરી છે. હવે ફિલ્મ મેકરે ખુલાસો કર્યો છે કે તેણે તેની પુત્રીને કોઈ સમય આપ્યો નથી અને તેનો તેને પસ્તાવો છે.
અનુરાગ કશ્યપે બોલિવૂડને ઘણી હિટ ફિલ્મો આપી છે જેમાં ‘ગેંગ્સ ઓફ વાસેપુર, દોબારા, ગુલાલ, પાંચ, મનમર્ઝિયાં, લસ્ટ સ્ટોરીઝ અને સત્યા’ નામનો સમાવેશ થાય છે. તેણે પોતાની પ્રોફેશનલ લાઈફમાં ઘણી સફળતા હાંસલ કરી છે પરંતુ તે પોતાના અંગત જીવનમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થયો છે. તમને જણાવી દઈએ કે તેણે બે વાર લગ્ન કર્યા અને બંને વખત છૂટાછેડા લીધા.
કરિયરના કારણે દીકરીથી દૂર !
ફિલ્મ કમ્પેનિયન સાથે વાત કરતી વખતે અનુરાગ કશ્યપે પોતાની પુત્રી આલિયા કશ્યપ સાથે સમય ન વિતાવવા અંગે ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું કે તે પોતાની કારકિર્દી બનાવવામાં એટલો વ્યસ્ત હતો કે તેને ખ્યાલ જ ન આવ્યો કે તેણે પોતાની જાતને બધાથી દૂર કરી લીધી છે. અનુરાગે ખુલાસો કર્યો કે જ્યારે તેણે તેની પુત્રી આલિયાનો ફોટો જોયો, ત્યારે તેને સમજાયું કે તે તેના જીવનના કેટલાક મહત્વપૂર્ણ વર્ષોને ચૂકી ગયો છે.
‘માફી માગવામાં મોડું થઈ ગયું’
અનુરાગે કહ્યું, ‘હું મારા નજીકના લોકોને ગુમાવવાથી ખૂબ ડરું છું. મને લાંબા સમય પછી સમજાયું છે કે ફિલ્મો કરતી વખતે મેં ઘણી બધી બાબતો પાછળ છોડી દીધી હતી. એક સમય એવો આવ્યો જ્યારે મને ખબર પડી કે મારી દીકરી અચાનક મોટી થઈ ગઈ છે. અનુરાગે વધુમાં કહ્યું કે તેને ખબર નથી કે તેણે હવે માફી માંગવી જોઈએ કે નહીં કારણ કે તેના કહેવા પ્રમાણે માફી માંગવામાં મોડું થઈ ગયું છે. સાથે જ તેની પુત્રીએ પણ તેને માફ કરી દીધો છે.