વેરાવળના તબીબ ડો.અતુલ ચગ આત્મહત્યા કેસમાં સાંસદના પિતાની આગોતરા જામીન અરજી નામંજૂર
- 15 દિવસ પૂર્વે નોંધાઈ હતી ફરિયાદ
- નારણ ચુડાસમાએ દાખલ કરી હતી અરજી
- નાણાકીય લેવડદેવડમાં તબીબે પગલું ભરી લીધું હતું
વેરાવળના તબીબ ડો.અતુલ ચગ આપઘાત પ્રકરણમાં પોલીસે ફરિયાદ દાખલ થયાના 15 દિવસ બાદ આરોપી નારણભાઈ ચુડાસમાએ ગીર સોમનાથ જિલ્લાના પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે. સરકારી વકીલ સ્પેશિયલ પીપી મોહનભાઈ ગોહેલ તેમજ ફરીયાદી પક્ષના વકીલ ચિરાગભાઈ કક્કડ પોતાનો પક્ષ રજૂ કરી આવા ગંભીર અપરાઘમાં જામીન આપવાથી નુકસાન થાય છે. ભવિષ્યમાં પુરાવા નાશ કરવાની સંભાવના રહે છે તેમ જણાવી હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજૂ કર્યા હતા.
શું છે સમગ્ર કેસ ?
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં તબીબી પ્રેક્ટિસ સાથે સામાજિક ક્ષેત્રે પણ જાણીતા તબીબ ડો. અતુલ ચગે પોતાની જ ઓફિસમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં જ્યારે પોલીસ તપાસ થઈ ત્યારે તેની પાસેથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી જેમાં નારણભાઈ ચુડાસમાનું નામ લખ્યું હોય વધુ તપાસ કરતા તેમના વચ્ચે થયેલી નાણાકીય લેવડદેવડના પગલે અતુલ ચગે આ પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું હતું. જેથી તેમના સામે ફરિયાદ નોંધવા ભારે ઉધામા થયા હતા અને હાઇકોર્ટ સુધી મામલો પહોંચ્યો હતો. જ્યાંથી આરોપીઓને લપડાક મળી હતી અને આખરે 15 દિવસ પૂર્વે આ કેસમાં ફરિયાદ નોંધાઈ હતી.
સાંસદ સામે પણ નોંધાઈ છે ફરિયાદ
આ ગુનામાં સાંસદ રાજેશ ચુડાસમા અને તેના પિતા નારણભાઈ સામે ફરિયાદ નોંધાયેલી છે જેમાં 29/5/2023ના રોજ ફક્ત નારણભાઈ ચુડાસમાના આગોતરા રજૂ કરવામાં આવ્યા હતા. ગઈકાલે તારીખ 1 /6/ 23ના રોજ સુનાવણી હતી જેમાં આજે તારીખ 2 /6 /23 ના રોજ ચુકાદો આવતા આગોતરા નામંજૂર થતા ભારે ખળભળાટ મચી ગયો છે. આરોપી તરફથી વકીલ દિપેન્દ્ર યાદવએ કોર્ટને જણાવ્યું હતું કે પોલીસ તરફથી ધરપકડ ન કરવાના હોય તો આ અરજી પરત ખેંચી લઈએ અને ભવિષ્યમાં જો ધરપકડ કરવાની જરૂર જણાય તો અમોને ત્રણ દિવસ એડવાન્સ નોટિસ આપો તો અમે આ અરજી ફરીવાર કરી શકીએ ત્યારે સરકારી વકીલ મોહનભાઈ ગોહેલએ પોલીસ પક્ષે સ્પષ્ટ જણાવેલ હતું કે અમે ધરપકડ કરશું જ. આમ આગોતરા જામીન અરજી નામંજૂર થતાં તેમની ધરપકડનો માર્ગ મોકળો થયો છે.