અમદાવાદમાં અસામાજિક તત્વોની દાદાગીરી, SG હાઈવે પર ધર્મ વિરૂદ્ધ ટીપ્પણી કરી એક યુવકને માર માર્યો, વસ્ત્રાપુરમાં નજીવી બાબતે ઝઘડો
અમદાવાદમાં રવિવારે બનેલી બે અલગ અલગ ઘટનાઓમાં નજીવી બાબતે રાહદારી યુવકોને માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જયારે અન્ય એક બનાવમાં યુવકોના ધર્મ વિરુદ્ધ ટીપ્પણી કરી માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ થઈ છે.
ધર્મ વિરુદ્ધ ટીપ્પણીઓ કરી તેમને એક ધર્મનો નારો લગાવવાની ફરજ પાડી
શહેરના એસજી હાઈવે પર સિંધુભવન રોડ પર પાન પાર્લર પર રવિવારે રાતના સાડા દસ વાગ્યે પાંચ યુવકોને કેટલાક અન્ય યુવકોએ આવીને આધારકાર્ડ અને લાઈસન્સ માગ્યા હતા જેનો વિરોધ કરતા આ લોકોએ યુવકોને કહ્યુ હતું કે તમારે લોકોએ બ્રિજની પેલી બાજુ રહેવાનું આ વિસ્તારમાં આવવાનું નહીં કહી તેમના ધર્મ વિરુદ્ધ ટીપ્પણીઓ કરી તેમને એક ધર્મનો નારો લગાવવાની ફરજ પાડી હતી, ત્યારબાદ મુઢમાર મારી હવે જો આવે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના અંગે ભોગ બનેલા યુવકો પૈકી એકએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. જેના આધારે પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
મારથી બચવા રિક્ષામાં ભાગ્યો, છતાં પીછો કરી માર માર્યો
દરિયાપુરમાં રહેતા મોહમ્મદ બિલાલ પઠાણ મિત્ર અબ્દુલ રશીદ પટેલ જંબુસરથી અમદાવાદ આવ્યો હતો. બંને મિત્રો સાથે મોલ જોવા માટે વસ્ત્રાપુર આવ્યા હતો. રવિવારે સાંજે મોલ નજીક એક સ્કૂટર ચાલકે તેમના સ્કૂટરને ટક્કર મારી બિલાલને મારતા તેનો મિત્ર ત્યાંથી ભાગી ગયો હતો. મારથી બચવા બિલાલ રિક્ષામાં બેસીને ભાગ્યો અને તેને આઈઆઈએમ પાસે ઉતાર્યો હતો. આ સમયે સ્કૂટર ચાલકોએ ફરી તેનો પીછો કરી ત્યાં બીજી વખત માર માર્યો હતો. ઈજા પહોંચતા યુવકને સારવાર માટે વીએએસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.