બળવાખોર છાવણીનો ઉદ્ધવને જવાબ: અમારા જૂથને અલગ કરી રહ્યા છીએ, માન્યતા નહીં મળે તો કોર્ટમાં જઈશું
મુંબઈ, વિધાનપરિષદની ચૂંટણી બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં આવેલો ભૂકંપ અટકવાનું નામ નથી લઈ રહ્યો. એકનાથ શિંદે કેમ્પ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે રાજકીય ખેંચતાણ ચાલુ છે. એક તરફ શિંદે ગુવાહાટીમાં બેસીને વિધાયક દળના નેતા તરીકે ચૂંટાઈને પોતાની તાકાત બતાવવાની વાત કરી રહ્યા છે, તો બીજી તરફ બળવાખોર ધારાસભ્યો પ્રત્યે સીએમ ઉદ્ધવ ઠાકરેનું વલણ પણ કડક થઈ રહ્યું છે. રાજકીય સંકટ વચ્ચે શનિવારે શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ત્રણ મુખ્ય ઠરાવો પણ પસાર કરવામાં આવ્યા હતા. આ ઠરાવોમાં કહેવામાં આવ્યું હતું કે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને પક્ષમાં નિર્ણય લેવાનો તમામ અધિકાર હશે અને કોઈ બળવાખોર ધારાસભ્ય બાળાસાહેબ ઠાકરે અને શિવસેનાના નામનો ઉપયોગ કરી શકશે નહીં.
અમે અમારી જૂથને અલગ કરી રહ્યા છીએ: બળવાખોર છાવણી
આસામના ગુવાહાટીમાં હોટેલ રેડિસન બ્લુમાં એકનાથ શિંદની હાજરીમાં બળવાખોર ધારાસભ્યોની બેઠક યોજાઈ રહી છે. બેઠકમાં મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેને સંદેશો આપતાં કહેવામાં આવ્યું હતું કે, અમે હજુ પણ શિવસેનામાં છીએ અને અમે અમારા જૂથને અલગ કરી રહ્યા છીએ અને આ પાર્ટી બાળાસાહેબ ઠાકરેની વિચારધારા પર ચાલશે. બળવાખોર કેમ્પના પ્રવક્તા દીપક કેસરકરે કહ્યું કે, અમારી પાસે બે તૃતીયાંશ બહુમતી છે અને અમારો અલગ જૂથ છે. તેમણે કહ્યું કે, હું મહારાષ્ટ્રના સીએમને કહેવા માંગુ છું કે તેઓ રાજ્યમાં રમખાણો બંધ કરે. અમે કોઈ પાર્ટીમાં ભળી રહ્યા નથી.
#WATCH | Assam: A meeting of the rebel MLAs begins in the presence of Eknath Shinde in a hotel in Guwahati pic.twitter.com/ra9c01qDCH
— ANI (@ANI) June 25, 2022
જો માન્યતા નહીં મળે તો કોર્ટમાં જઈશું: દીપક કેસરકર
બળવાખોર શિવસેનાના વિધાનસભ્ય દીપક કેસરકરે કહ્યું કે અમારા જૂથને માન્યતા આપવી જોઈએ, જો એવું નહીં થાય તો અમે કોર્ટમાં જઈને અમારી સંખ્યા સાબિત કરીશું કારણ કે અમારી પાસે સંખ્યા છે. તેમણે કહ્યું કે અમે સીએમ ઉદ્ધવ ઠાકરેનું સન્માન કરીએ છીએ અને અમે તેમની વિરુદ્ધ નહીં બોલીએ, અમે જે રસ્તે વિધાનસભા ચૂંટણી લડ્યા હતા તે જ રસ્તે ચાલવું જોઈએ. ત્યારે દીપક કેસરકરે કહ્યું કે, અમારી હોટલમાં રોકાવાનો ખર્ચ કોઈપણ પક્ષ ચૂકવતો નથી. અમારા નેતા એકનાથ શિંદે અમને બોલાવ્યા અને અમે અહીં ગુવાહાટી આવ્યા અને રોકાયા. આ બધામાં ભાજપ પાછળ નથી.