હાર્ટ એટેકે લીધો વધુ એક ભોગ, કોલેજ કેમ્પસમાં અચાનક ઢળી પડ્યો 28 વર્ષનો વિદ્યાર્થી
છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં હાર્ટ અટેકના કિસ્સામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે.પહેલા મોટી ઉંમરના લોકોમાં હાર્ટ એટેકનું વધુ પ્રમાણ જોવા મળતું હતું પરંતુ હવે નાની ઉંમરના લોકોમાં પણ હાર્ટએટેકનો ખતરો વધી રહ્યો છે. બે દિવસ પહેલા જ નવસારીમાં ધોરણ 12 માં ભણતી 17 વર્ષની વિદ્યાર્થીની ચાલુ શાળામાં હાર્ટએટેક આવતા તેનું મોત નિપજ્યું હતુ ત્યારે રાજ્યમાં નાની ઉંમરે હાર્ટ એટેકથી વધુ એકનું મોત થયું છે.રાજકોટમાં એક યુવાનનું હાર્ટ અટેકથી મોત થયું હોવાનું સામે આવ્યું છે.
રાજકોટમાં કોલેજના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત
મળતી માહીતી મુજબ રાજકોટમાં નાની ઉંમરમાં વધુ એક યુવાનનું હાર્ટ અટેકથી મોત થયું છે.VVP એન્જિનિયરિંગ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા કલ્પેશ પ્રજાપતિ નામના 28 વર્ષીય યુવાનનું હાર્ટ અટેકના કારણે મૃત્યું થયું છે. કલ્પેશ મૂળ તાપી જિલ્લાનો હતો પરંતુ રાજકોટમાં અભ્યાસ કરતો હતો.ગઈકાલે સાંજે કોલેજથી છૂટી રહ્યો હતો એ દરમિયાન છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.જેથી કલ્પેશના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં ખસેડાયો હતો. અને આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સારવાર મળે તે પહેલા જ યુવાને દમ તોડ્યો
કલ્પેશવીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં આર્કિટેક્ચરના કોર્સના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. ગઈ કાલે સાંજે કોલેજથી છૂટી રહ્યો હતો એ દરમિયાન છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, તેને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા પ્રથમ સોડા પીધી હતી. અને બાદમાં તેમને મિત્રને ફોન કરી હોસ્પિટલ જવા જાણ કરી હતી. જેથી તેનો મિત્ર તેને 108 મારફત હોસ્પિટલ લઈ ગયા હતા. જો કે તે હોસ્પિટલ પહોંચે તે પહેંલા જ તેનું મોત નિપજ્યું હતું. જેથી આ અંગે મિત્રો દ્વારા કોલેજ સંચાલકોને તેમજ તેના પરિવારજનોને જાણ કરવામા આવી હતી.
પરિવારમાં છવાયો માતમ
જાણકારી મુજબ કલ્પેશ પ્રજાપતિ મૂળ બારડોલીનો રહેવાસી છે. તે એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેના પિતા વ્યારાના બાજીપુરા ગામમા કરિયાણાની દુકાન ચલાવે છે. કલ્પેશ પ્રજાપતિના પરિવારમાં માતા પિતા અને એક મોટા બહેન છે. ત્યારે હાલ ઘરના જુવાન જોધ દિકરાને ગુમાવવાથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
આ પણ વાંચો : બિપરજોય : વાવાઝોડામાં સરાહનીય કામગીરી કરનાર દ્વારકા પોલીસ અધિકારીઓને હર્ષ સંઘવીએ સન્માનિત કર્યા