રાજ્યમાં શ્વાનનો ફરી આતંક, સુરતમાં રખડતા શ્વાને 3 વર્ષના માસુમ પર કર્યો હુમલો


સુરતમાં રખડતા શ્વાનના ત્રાસની સ્થિતિ હતી એમની એમ જ, સુરત શહેરના સચિન જીઆઇડીસી વિસ્તારમાં એક રખડતા શ્વાને ઘર બહાર રમતા એક ત્રણ વર્ષના બાળક પર હુમલો કર્યો અને બાળકનુ માથુ ફાડી નાંખ્યુ હતું. સદનસીબે નજીકમાંથી લોકો દોડી આવતાં કૂતરાના જડબામાંથી બાળકને છોડાવી લેતા તેનો જીવ બચી ગયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બાળકને માતા-પિતા તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ ગયા હતા.
કેવી રીતે ધટના બની?
રખડતા શ્વાનના હુમલાનો ભોગ બનેલા બાળક સંતોષના પિતા મુકેશ માવી 10 વર્ષથી સુરત સચિન જીઆઈડીસી વિસ્તારમાં કડિયા કામ કરી પત્ની અને 4 બાળકોનું ગુજરાન ચલાવી રહ્યા છે. જેમનું મૂળ ગામ દાહોદ છે. તેમણે ધટના વિશે જણાવતાં કહ્યું હતું કે સોમવારે બપોરે 12 વાગ્યાની આસપાસ મારો ત્રણ વર્ષનો નાનો પુત્ર સંતોષ ઘરની બહાર અન્ય બાળકો સાથે રમતો હતો. ત્યારે અચાનક એક રખડતા કૂતરાએ હુમલો કર્યો હતો. બીજા બાળકો થોડા મોટા હતાં એટલે તેઓ ભાગી શક્યા પણ સંતોષ નાનો હતો એટલે ભાગી નહીં શક્યો એટલામાં તેના માથાને કૂતરાએ જડબામાંથી પકડી લીધું હતું. બાળકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. એટલે, નજીકમાં લોકો હતા તે દોડી આવ્યા હતાં, મહામુસીબતે કૂતરાના મોઢામાંથી સંતોષને છોડાવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં કૂતરાએ તેના માથા ઉપર 5 બચકાં ભરી દીઘા હતા. કૂતરાએ તેના માથા ઉપરની ચામડી ચિરી નાંખી હતી. ખૂબ હિંસક હુમલો કર્યો હતો. જો લોકો દોડી આવ્યા ન હોત તો આજે માસુમ સંતોષ શ્વાનનો શિકાર બની ગયો હોત.
શ્વાનનો શિકાર બનનાર સંતોષને સિવિલ હોસ્પિટલમાં દાખલ
શ્વાનના હુમલા બાદ માસુમ સંતોષને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો છે. સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ પરિવારને કહ્યું છે કે, હાલ તો સારવાર કરી દાખલ કર્યું છે. રિપોર્ટ બાદ આગળની સારવાર કરશે.
આ પણ વાંચો: મહેસાણાઃ ઠાકોર સમાજની અનોખી પહેલ, સમાજના કેટલાક કુરિવાજો પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય