કોટામાં વધુ એક વિદ્યાર્થી અભ્યાસનો સંઘર્ષ જીરવી ન શક્યો, કર્યો આપઘાત
- રાજસ્થાનના કોટા શહેરમાં વધુ એક વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, આ વર્ષે કોટામાં વિદ્યાર્થીની આત્મહત્યાનો આ પહેલો કિસ્સો
રાજસ્થાન, 24 જાન્યુઆરી: એજ્યુકેશનનું નગર કહેવાતા કોટા શહેરમાં વઘુ એક વિદ્યાર્થીએ આત્મહત્યા કર્યાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. કોચિંગના વિદ્યાર્થીએ રાત્રે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. વિદ્યાર્થીની ઉંમર 17 થી 18 વર્ષની હોવાનું કહેવાય છે. આ વર્ષે કોટામાં વિદ્યાર્થીની આત્મહત્યાનો આ પહેલો કિસ્સો છે. રાજસ્થાનનું કોટા શહેર શિક્ષણ નગરી માટે જાણીતું છે. અહીં દૂર દૂરથી વિદ્યાર્થીઓ ભણવા તેમજ તૈયારી કરવા માટે આવે છે. પરંતુ અહીં અનેક વિદ્યાર્થીઓએ અભ્યાસના સંઘર્ષથી હાર માનીને આત્મહત્યા કર્યાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ગત વર્ષ 2023માં જ 29 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. ગયા વર્ષ અને આ વર્ષે જાન્યુઆરીના આંકડા પર નજર કરીએ તો અત્યાર સુધીમાં 30 વિદ્યાર્થીઓએ કોટા શહેરમાં આત્મહત્યા કરી છે.
કોટામાં તૈયારી કરવા આવેલો વિદ્યાર્થી મુરાદાબાદ જિલ્લાનો રહેવાસી હતો
મળતી માહિતી મુજબ, વિદ્યાર્થી યુપીના મુરાદાબાદ જિલ્લાનો રહેવાસી હતો. કોચિંગનો વિદ્યાર્થી મોહમ્મદ ઝૈદી હોસ્ટેલમાં રહીને ખાનગી કોચિંગ સેન્ટરમાંથી એન્જિનિયરિંગની તૈયારી કરી રહ્યો હતો. મળતી માહિતી મુજબ પોલીસ કંટ્રોલ રૂમને રાત્રે 11:00 વાગ્યે વિદ્યાર્થીએ આત્મહત્યા કર્યાની માહિતી મળી હતી. આ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને ફાંસીમાંથી બહાર કાઢીને શબઘરમાં રાખ્યો હતો. પોલીસે પરિવારજનોને જાણ કરી છે, તેઓ આવ્યા પછી જ વિદ્યાર્થીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
વિદ્યાર્થીઓની વધતી આત્મહત્યાના કારણે તાજેતરમાં જ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી
કેન્દ્રએ થોડા સમય પહેલાં જ તમામ રાજ્યોની કોચિંગ સંસ્થાઓ માટે માર્ગદર્શિકા જાહેર કરી હતી, જે મુજબ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કોચિંગ ક્લાસમાં પ્રવેશ ન આપવા સહિત અન્ય માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી. કોટામાં વિદ્યાર્થીની આત્મહત્યાના વધતા જતા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને અગાઉની કોંગ્રેસ સરકારે રાજ્ય સ્તરીય સમિતિની રચના કરી હતી અને માર્ગદર્શિકા બહાર પાડી હતી.
આ પણ વાંચો: મુંબઈમાં શોભાયાત્રા પર પથ્થમારોઃ સોશિયલ મીડિયા ગ્રૂપ એડમિન્સને આપી ચેતવણી