IPS અને CBIના નામે વધુ એક સિનિયર સિટીઝન ડિજિટલ એરેસ્ટ, રૂ. 23 લાખ ગુમાવ્યા

- મનીલોન્ડરીંગના કેસમાં તમારા આધાર કાર્ડનો ઉપયોગ થયો છે
- ફિઝિકલ ઇન્વિટેશન અને પ્રાયોરિટી ઇન્વેસ્ટીગેશનના બે ઓપ્શન આપ્યા
- 23 લાખની રકમ ચેક દ્વારા બેંક ઓફ મહારાષ્ટ્ર એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી
વડોદરામાં ડિજિટલ એરેસ્ટના કેસો બની રહ્યા છે. જેમાં આજવા રોડના એક સિનિયર સિટીઝને આવી જ રીતે 23 લાખ ગુમાવી દીધા વધુ એક કિસ્સો તેમાં ઉમેરાયો છે.
મનીલોન્ડરીંગના કેસમાં તમારા આધાર કાર્ડનો ઉપયોગ થયો છે
આજવા રોડની મેડિકલ કોલેજ પાસે રહેતા સીનીયર સીટીઝન પરેશભાઈ બાબુલાલે પોલીસને કહ્યું છે કે, ગઈ 21 ડિસેમ્બરે સવારે અભય મિશ્રા નામની વ્યક્તિએ મને ફોન કરી કહ્યું હતું કે મનીલોન્ડરીંગના કેસમાં તમારા આધાર કાર્ડનો ઉપયોગ થયો છે, તમારે પોલીસ કમ્પ્લેન કરવી પડશે અને સાયબર ક્રાઇમના આઇપીએસ રાકેશ કુમાર તમને કોલ કરશે. ત્યારબાદ આઇપીએસ રાકેશકુમારના નામે મને વીડિયો કોલ આવ્યો હતો અને તેણે 6.80 કરોડના મની લોન્ડરિંગ કેસમાં અશોક ગુપ્તાએ 300થી વધુ પોલીસ અધિકારીઓ, પોલિટિશિયન તેમજ અન્ય લોકોને લીંક કરી 17 ફેમિલી સાથે છેતરપિંડી કરી છે, તપાસ દરમિયાન તમને 1 લાખ કમિશન અને 10% રકમ એકાઉન્ટમાં જમા થઈ હોવાનું જણાઈ આવ્યું છે તેમ કહ્યું હતું.
ફિઝિકલ ઇન્વિટેશન અને પ્રાયોરિટી ઇન્વેસ્ટીગેશનના બે ઓપ્શન આપ્યા
સિનિયર સિટીઝને કહ્યું છે કે, રાકેશ કુમારે મને તપાસમાં સહયોગ આપવા તેમજ એરેસ્ટ કરવા માટે ફિઝિકલ ઇન્વિટેશન અને પ્રાયોરિટી ઇન્વેસ્ટીગેશનના બે ઓપ્શન આપ્યા હતા. જેમાં પ્રાયોરિટી ઇન્વેસ્ટિગેશનમાં રીમોટ મોડ અને ગુપ્તતા રાખવાની તેમજ એરેસ્ટ વોરંટ-બેન્ક એકાઉન્ટ હોલ્ડ પર રાખવાની સવલત હોવાથી તે ઓપ્શન પસંદ કર્યો હતો. મને બેંક રિલેટેડ બધી માહિતી એકત્રિત કરવા માટે સમય આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત દર કલાકે i m safe… નો મેસેજ કરવા સૂચના આપી હતી.
મને શંકા જતા નંબર બ્લોક પણ કર્યો હતો
મને શંકા જતા નંબર બ્લોક પણ કર્યો હતો. પરંતુ તે લોકોએ કેવી રીતે મારો નંબર અનબ્લોક કર્યો તેની મને ખબર ના પડી. મારો નંબર અનબ્લોક કર્યા પછી મને ધમકાવવામાં આવ્યો હતો. ત્યાર પછી તે લોકોએ કહ્યું તે મુજબ 23 લાખની રકમ ચેક દ્વારા બેંક ઓફ મહારાષ્ટ્ર એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હતી.
બેંકની મારી 25 લાખની ત્રણ FD ટ્રાન્સફર કરવા માટે બેંકમાં મોકલવામાં આવ્યો
ફરિયાદીએ કહ્યું છે કે, મને આઈસીઆઈસીઆઈ બેંકની મારી 25 લાખની ત્રણ FD ટ્રાન્સફર કરવા માટે બેંકમાં મોકલવામાં આવ્યો હતો. પરંતુ બેંક બંધ થઈ ગઈ હોવાથી બીજે દિવસે પ્રોસેસ કરવા માટે કહ્યું હતું. આ દરમિયાન મને શંકા જતા અમે મારા પુત્રને જાણ કરી હતી. તેણે સાયબર સેલને જાણ કરવા માટે કહેતા મે સાયબર સેલમાં પોલીસ ફરિયાદ કરી હતી.