પોપ્યુલર બિલ્ડરનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. જેમાં વેવાણ સાથે રૂ.3.25 કરોડની ઠગાઈ કરી છે. તેમાં પોપ્યુલર બિલ્ડરના નટુ પટેલના સાળા-પુત્રે બોગસ પ્લોટનું બાનાખત કરી આપ્યું હતુ. તેમાં વેસુની જમીન વેચાણના સંખ્યાબંધ લોકોને બાનાખત કરી આપ્યા હોવાનું તપાસમાં ખૂલ્યું છે. જેમાં આરોપી જમાઇ માલવ પટેલને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, અમદાવાદ સહિત આ વિસ્તારમાં પડશે માવઠું
સુરતના વેસુમાં બોગસ પ્લોટનું બાનાખત કર્યું
પોપ્યુલર બિલ્ડર નટુ પટેલના સગા સાળા અને કોંગ્રેસના નેતા પંકજ પટેલ અને તેના પુત્ર રોમિલે સુરતના વેસુમાં બોગસ પ્લોટનું વેવાઇ વેવાણને બાનાખત કરી આપીને ટુકડ ટુકડે રૂ.3.25 કરોડ પડાવી લેવાના મામલે સેટેલાઇટ પોલીસે ધરપકડ કરી હતી. બન્ને આરોપીને કોર્ટે છ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, સુરતની વેસુમાં આવેલ જગ્યા ઉપર સંખ્યા બંધ લોકોને બાનાખત કરીને કરોડો પડાવ્યા હતા. પોલીસે સુરતની વેસુની જગ્યાના રજિસ્ટ્રાર બાનાખત મળી આવ્યા છે. જેની તપાસ કરીને ભોગ બનેલાના નિવેદનો લેવાની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આરોપી જમાઇ માલવ પટેલને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
બીજાની જમીન પોતાની હોવાનું સાસુ-સસરાને કહ્યું
બોડકદેવમાં રહેતાં સાધનાબેન દિપકભાઈ શાહ એસ્ટ્રોન ટાવર ખાતે પ્લાનેટ ઇવ્યુએશન પ્રા.લિ. નામની ઓફિસ ધરાવીને ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ કરીને પોતાનું જીવન ગુજારે છે. સાધનાબેનની બીજી દીકરી શિવાલીના લગ્નના પોપ્યુલર બિલ્ડર નટુ પટેલના ભાણેજ માલવ પંકજભાઇ પટેલ સાથે વર્ષ 2015માં થયા હતા. થોડા વર્ષ અગાઉ માલવ, વેવાઇ પંકજ અને જમાઇનો ભાઇ રોમિલ પટેલ ત્રણેયે સુરતના વેસુમાં આવેલ રેવન્યુ સર્વે નં.95 પૈકી રી સર્વે નં.43/2માં સાંઇ એન્કલેવમાં પ્લોટોની સ્કીમ મૂકી હતી, જેમાં પ્લોટ નંબર 5ની 412.53 ચોરસ મીટર બીજાનો હોવા છતાં પોતાનો હોવાનું સાસુ-સસરાને કહ્યું હતું.
કોર્ટે છ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો
બાદમાં જમાઇ સહિત 3 શખ્સોએ બીજાના પ્લોટનું બાનાખત કરી આપીને સાસુ-સસરા પાસેથી 3.25 કરોડ વસૂલ્યા હતા. જે અંગે સાધનાબેને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં જમાઇ માલવ, વેવાઇ પંકજ હાથીભાઇ પટેલ અને રોમિલ પટેલ વિરુદ્ધ ઠગાઇની ફરિયાદ નોંધાવી હતી. સેટેલાઈટ પોલીસે વેવાઈ પંકજ હાથીભાઈ પટેલ અને રોમિલ પટેલની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરી હતી, જેમાં એવી રજૂઆત કરી હતી કે, આરોપીઓએ ભેગા મળીને ગુનાહિત કાવતરું રચ્યું છે જેમાં બાનાખત કયા છે તેની માહિતી મેળવાની છે. આરોપીઓએ અગાઉ કોઈ ગુના આચર્યા છે કે કેમ?, દીપકભાઈ શાહ પાસેથી લીધેલા નાણાનું રોકાણ ક્યાં કર્યું છે. આરોપીઓએ કિષ્ના ડેવલોપર્સ ભાગીદારી પેઢી શરૂ કરી હતી તે પેઢીના બેંક એકાઉન્ટની તપાસ કરવાની છે. ત્યારબાદ કોર્ટે છ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.