ખોડલધામનો વધુ એક પ્રકલ્પઃ 21 જાન્યુઆરીએ કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન
- રાજકોટ નજીકના અમરેલી ગામે સર્વ સમાજ માટે નિર્માણ પામશે અદ્યતન કેન્સર હોસ્પિટલ
- કેન્સર હોસ્પિટલના ભૂમિદાન માટે સંકલ્પબદ્ધ કરવા નરેશભાઈ પટેલ 17 ડિસેમ્બરથી ગુજરાત-મહારાષ્ટ્રનો પ્રવાસ કરશે
રાજકોટ, 14 ડિસેમ્બરઃ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ જ્યારથી સંગઠન અને સમાજસેવાના હેતુસહ સ્થાપિત થયું ત્યારથી સર્વ સમાજ માટે નવા નવા આયામો અને પ્રકલ્પો સાથે સમાજ વચ્ચે રહી સમાજ સેવાનું કામ કરે છે. ત્યારે 21મી જાન્યુઆરી એટલે શ્રી ખોડલધામ પરિવાર માટે સેવાના માધ્યમથી એકતા અને સંગઠનના દર્શન કરાવવાનો ગૌરવવંતો દિવસ. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના આદરણીય ચેરમેનશ્રી નરેશભાઈ પટેલે જાહેર કરેલા ત્રણ મુખ્ય પ્રકલ્પ શિક્ષણ, આરોગ્ય અને કૃષિ.. જે અંતર્ગત આગામી તારીખ 21 જાન્યુઆરી 2024ના રોજ રાજકોટ નજીકના અમરેલી ગામ મુકામે સર્વ સમાજ માટેનું એક આરોગ્ય ધામ એટલે કે અત્યાધુનિક કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન સમારોહનું આયોજન કરાયું છે.
21 જાન્યુઆરી, 2024ના રોજ અમરેલી ગામે નિર્માણ પામનાર કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન સાત દીકરીઓના વરદ હસ્તે કરવામાં આવશે. આ ભૂમિપૂજન સમારોહ શ્રી ખોડલધામ મંદિરેથી વર્ચ્યૂઅલી સવારે 7.00 કલાકથી કરવામાં આવશે. જાહેર કાર્યક્રમ અને સ્ટેજ કાર્યક્રમ શ્રી ખોડલધામ મંદિર કાગવડ ખાતે સવારે 9.30 થી બપોરના 11.30 સુધી રહેશે.
આ પ્રકલ્પને સાર્થક બનાવવા માટેનો સંદેશ અને માહિતી ઘર-ઘર સુધી પહોંચે અને દાતાશ્રીઓને કેન્સર હોસ્પિટલના ભૂમિદાન માટે સંકલ્પબદ્ધ કરવાના શુભ આશયથી શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ આગામી તારીખ 17 ડિસેમ્બર 2023ના રોજ દેવાધિ દેવ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને પ્રવાસની શરૂઆત કરશે અને 6 જાન્યુઆરી સુધી આ પ્રવાસ ચાલશે. આ પ્રવાસ દરમિયાન શ્રી નરેશભાઈ પટેલ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ સ્થળોની મુલાકાત લેશે. આ પ્રવાસ દરમિયાન શ્રી નરેશભાઈ પટેલ સમસ્ત ગુજરાત અને ગુજરાત બહાર વસતા શ્રી ખોડલધામ પરિવારના તમામ ભાઈઓ-બહેનોને રૂબરૂ મળીને આ કેન્સર હોસ્પિટલના પ્રકલ્પ અંગે માહિતગાર કરશે અને દાતાશ્રીઓને કેન્સર હોસ્પિટલમાં ભૂમિદાન કરી આ સેવાકીય કાર્યમાં જોડાવા આહ્વાન કરશે.