અમદાવાદનો વધુ એક પોલીસકર્મી રૂ.25000 ની લાંચ લેતા ઝડપાયો
- એસીબીની સફળ ટ્રેપમાં ચાંદખેડા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ દબોચાયો
- સંદિપ ઉલવાએ ધરપકડ વોરંટમાં મહિલા આરોપીની અટક નહીં કરવા માંગી હતી લાંચ
- ચાંદખેડા પોલીસ સ્ટેશનની અંદર મીસીલીયન રૂમમાંથી રંગેહાથ ઝડપાયો
અમદાવાદ પોલીસ સ્ટેશનનો વધુ એક પોલીસકર્મી લાંચ લેતા ઝડપાયો છે. એસીબીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલને રૂ.25 હજારની લાંચ લેતા દબોચી લીધો છે અને તેના વિરૂધ્ધ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોન્સ્ટેબલે મહિલા આરોપીની ધરપકડ નહીં કરવા માટે લાંચ માંગી હતી જે સબબ તે રૂપિયા લેતા ઝડપાયો હતો.
ક્યાં થઈ સફળ ટ્રેપ ?
મળતી માહિતી મુજબ, ચાંદખેડા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સંદિપ ઉલવાએ આ કામના ફરીયાદીની વિરૂધ્ધમાં નેગોશીયેબલ ઇન્સ્ટુમેંટ એક્ટની કલમ ૧૩૮ મુજબ કાર્યવાહી થયેલ જેમાં ફરિયાદીએ આગોતરા જામીન મેળવેલ હતા જેમાં તેઓને મદદ કરવા અને ફરિયાદીના પત્ની વિરૂદ્ધમાં ધરપકડ વોરંટ નીકળેલ હોય જેમાં ફરીયાદીના પત્નીને અટક નહી કરવા પેટે ફરીયાદીના વકીલ સાથે વાત ચીત કરી ફરીયાદી પાસે રૂ.25,000/- ની માંગણી કરેલ, જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદીએ ફરીયાદ આપતા આજરોજ લાંચનુ છટકુ ગોઠવતા આરોપીએ ફરીયાદી સાથે રૂબરૂમાં હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂ.25000/- લાંચની રકમ પંચ રૂબરૂ સ્વીકારી પકડાઇ ગયેલ છે. જેથી એસીબીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનની અંદર મીસીલીયન રૂમમાંથી સંદિપ લક્ષ્મણભાઇ ઉલવા (ઉ.વ.37) ધંધો- નોકરી અનાર્મ પો.કો., વર્ગ-3, ચાંદખેડા પોલીસ સ્ટેશન, અમદાવાદ શહેરનાઓની અટકાયત કરી હતી. આ સફળ ટ્રેપ આર.આઇ.પરમાર, પો.ઇન્સ. અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવી હતી.