વધુ એક નબીરાએ નશાની હાલતમાં સર્જયો અકસ્માત, નડિયાદમાં હાથ લારીને ટક્કર મારતા બીજી કાર સાથે અથડાયો
- નડિયાદમાં બેફામ નબીરાએ સર્જયો અકસ્માત
- ટક્કર મારતા લારી ચાલક બીજી કાર સાથે અથડાયો
- કારમાંથી દારૂની બોટલ મળી
અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર બનેલ અકસ્માતની ઘટના લોકોના મગજમાંથી ગઈ નથી.ત્યાં હવે ખેડા જિલ્લાના નડિયાદમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. જેમાં એક યુવકે નશાની હાલતમાં કાર ચલાવી એક હાથ લારીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ડિવાઇડર અને ઇલેક્ટ્રીક પોલને નુકસાન થયું છે. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
દારૂના નશામાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો
પ્રાપ્ત વિગતો અનુસાર,નડીયાદમા કોલેજ રોડ વિસ્તારમાં એક કારે વાહનોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત આયુર્વેદિક હોસ્પિટલ સામે ફુલ નશાની હાલતમાં બેફામ કાર હંકારી કાર ચાલકે અકસ્માત સર્જયો હતો. એટલું જ નહી અકસ્માત કરનારની કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે. આ કાર પરપ્રાંતિય રવિ સિંઘે નશાની હાલતમાં બેફામ રીતે કાર ચલાવી રહ્યો હતો અને લારી ચાલકને ટક્કર મારતા લારી ચાલક ઉછળીને બીજી કાર પર અથડાતા ઈજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર અર્થે 108 વાન મારફતે નડીયાદની સીવીલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો છે. પહેલા તો આયુર્વેદિક હોસ્પિટલ સામે ડિવાઇડર અને લાઈટના થાંભલા સાથે કાર અથડાઈ હતી અને લારી ચાલકને ટક્કર મારી હતી. જેને લઈ પાછળથી આવતી કાર આ કાર સાથે અથડાઈ હતી. ઘટનાની જાણ થતા નડીયાદ ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
કારમાંથી દારૂની બોટલ મળી
આ અંગે નડીયાદ ટાઉન પોલીસ મથકના પીઆઈ હરપાલસિંહ ચૌહાણ સાથે ટેલીફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, અમારી ટીમ પેટ્રોલિંગમાં હતી અને એક ચાલક ગફલતભરી રીતે પોતાની કાર ચલાવતો હતો. તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન આ ઘટના બની. જેમાં કાર ચાલક પીધેલી હાલતમાં હોવાથી તેની અટકાયત કરી ડ્રિંક એન્ડ ડ્રાઇવનો કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ સુધી અન્ય કોઈ વ્યકિતએ ફરીયાદ નોંધાવેલ નથી અને હાલ કાર ચાલક પરપ્રાંતિય રવિ સિંઘની પોલીસે અટકાયત કરી છે.
આ પણ વાંચો : પાટણ : સમીના શંખેશ્વર માર્ગ પર સર્જાયો ગોઝારો અકસ્માત, ત્રણ યુવકોના મોત