રાજકોટમાંથી વધુ એક વચેટીયો રૂ.30 હજારની લાંચ લેતા ઝડપાયો
રાજકોટ, 19 ઓક્ટોબર : રાજકોટમાં એક તરફ ટીઆરપી ગેમઝોનમાં થયેલા અગ્નિકાંડમાં 27 લોકોના મોત બાદ મહાનગરપાલિકાનું ફાયર વિભાગ ફૂંકી ફૂંકીને ડગલાં ભરી રહ્યું છે પણ બીજી બાજુ તેના જ વિભાગમાં કેટલાક અધિકારીઓ બેખૌફ બનીને લાંચ માંગતા અગાઉ ઝડપાઈ ગયા છતાં હજુ અધિકારીઓ અને કર્મચારીઓ સુધરવાનું નામ નથી લેતાં ત્યાં હાલમાં રેસકોર્સ ખાતે ચાલતાં પ્રોપર્ટી એકસ્પોમાં સ્ટોલની ફાયર એનઓસી અપાવવા વચેટીયો 30 હજારની લાંચ લેતા ઝડપાયો છે. ગઈકાલે મોડી સાંજે જામનગર એસીબીની ટીમે ખાનગી કંપનીના કર્મચારીને નાણાવટી ચોક પાસેથી રંગેહાથ ઝડપી લીધો હતો.
મળતી માહિતી મુજબ, હાલ રેસકોર્ષમાં ચાલી રહેલ પ્રોપર્ટી એક્સપો 2024 માટે ફરિયાદીને ટેમ્પરરી ડોમનું નિર્માણ કરવાનું હોય જે માટે તેમને ફાયર એનઓસી મેળવવાની હોય જેમની જાણ આરોપીને થતાં તેણે ફરિયાદીનો સંપર્ક કરી જણાવેલ કે, પોતાની રાજકોટ ફાયર વિભાગમાં એનઓસી એપ્રુવ કરનારા અધીકારીઓ સાથે સંબંધ છે અને ફરિયાદીને જો એનઓસી મંજૂર કરાવવી હોય તો તેણે કાયદેસરની ફી ઉપરાંત રૂ.30 હજાર પોતાને ચુકવવા પડશે જેથી તે રાજકોટ કોર્પોરેશનના ફાયર વિભાગમાં નાણાકીય વ્યવહાર કરી કામ કરાવી આપશે.
દરમિયાન લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી તેણે એસીબીનો સંપર્ક કરતા ડીવાયએસપી કે.એચ. ગોહિલને માર્ગદર્શન હેઠળ જામનગર એસીબી પીઆઈ આર.એન.વિરાણી અને ટીમે નાણાવટી ચોક પાસે આવેલ મોમાઈ ચા સેન્ટર પાસે ટ્રેપ ગોઠવી હતી અને ફરિયાદીએ આરોપીને લાંચની રકમ રૂ.30 હજાર આપતાં જ એસીબીની ટીમ ત્રાટકી હતી અને આરોપીને રંગેહાથ ઝડપી લીધો હતો.
આ પણ વાંચો :- અમદાવાદ સહિત વિવિધ એરપોર્ટ પર કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ તરીકે નોકરીની તકઃ જાણો વિગતો