વધુ એક કિરણ પટેલ ? સેન્ટ્રલ IBના અધિકારીની ઓળખ આપી રાજકોટના વેપારી બંધુ સાથે રૂ.1.22 કરોડની ઠગાઈ

- વડોદરાના હિતેષ ઠાકર સામે ડીસીબી પોલીસ મથકે ગુનો નોંધાયો
- હિતેષે સરકારી ખરાબામાં કારખાનું મંજુર કરાવી દેવાની આપી હતી લાલચ
- રાજકોટ કલેક્ટર, ગાંધીનગરની જુદી જુદી કચેરીઓના લેટરપેડ પણ બનાવ્યા હતા
- ક્રાઇમબ્રાન્ચે સકંજામાં લઈ રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી
પોતાને વડાપ્રધાન કાર્યાલયનો અધિકારી ગણાવી જમ્મુ-કાશ્મીરમાં સુખ-સુવિધા ભોગવવા ઉપરાંત અમદાવાદમાં અલગ-અલગ લોકોને શિશામાં ઉતારીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર ઠગ કિરણ પટેલની અત્યારે સઘન તપાસ ચાલી રહી છે ત્યારે રાજકોટમાં પણ આવો જ એક બનાવ પ્રકાશમાં આવતાં સનસનાટી મચી જવા ગઈ છે. વડોદરાના એક શખ્સે પોતાને સેન્ટ્રલ આઈબીનો અધિકારી ગણાવી રાજકોટના વેપારી અને તેના ભાઈ સાથે રૂ.1.22 કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાતાં જ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વર્ષ 2019થી 2023 દરમિયાનના ચાર વર્ષ દરમિયાન બે કટકે પૈસાની લેતી-દેતી થઈ હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે.
કોની સાથે કરવામાં આવી છેતરપિંડી ?
રાજકોટની સત્યસાંઈ હાર્ટ હોસ્પિટલ પાસે આવેલા આલાપ એવન્યુની સામે ઈન્દ્રલોક સોસાયટીમાં ‘ઋષિ’ નામના મકાનમાં રહેતાં અલ્પેશ બાવનજીભાઈ નારીયા (ઉ.વ.43)એ વડોદરાના માંજલપુરની શાંતિકુંજ સોસાયટીમાં રહેતાં હિતેશ પ્રવિણચંદ્ર ઠાકર સામે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે હિતેશ ઠાકરે ફરિયાદી અલ્પેશ બાવનજીભાઈ નારીયા અને તેના ભાઈ વિજયને પોતે આઈએએસ છે અને સેન્ટ્રલ આઈબી વિભાગમાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે કાર્યરત હોવાની ઓળખ આપી હિતેશે અલ્પેશ તેમજ વિજયને ભરમાવ્યા હતાં. ત્યાર બાદ બન્ને ભાઈઓને ધંધા માટે જમીન ફાળવી દેવાનું તેમજ ડિફેન્સ વિભાગમાં કોપર વાયર વેચાણનો ઓર્ડર અપાવી દેવાનો જાસો આપ્યો હતો. આ ઉપરાંત ફરિયાદીના ભાઈ વિજયને ભાગીદારી બાબતે વિવાદ ચાલતો હોય તેનું સમાધાન કરાવી દેવાનું પણ કહ્યું હતું.
બેંક અને રોકડથી કર્યા વહીવટ
આ પછી વિજય અને અલ્પેશ બન્ને હિતેશ ઠાકરની વાતમાં આવી ગયા હતા અને બે કટકે પૈસા આપવાનું નક્કી કર્યું હતું જે પેટે રૂા.67,92,618 રૂપિયા હિતેશે પોતાના બેન્ક એકાઉન્ટમાં મેળવ્યા હતા તો રૂા.55 લાખ રોકડેથી લીધા હતા. આમ તેણે અલ્પેશ અને વિજય પાસેથી રૂા.1,22,92,618 લઈને હાથ ઉંચા કરી દેતાં અંતે ક્રાઈમ બ્રાન્ચમાં હિતેશ ઠાકર સામે છેતરપિંડી તેમજ વિશ્ર્વાસઘાતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
કેવી રીતે હિતેષ સાથે ઓળખ થઈ ?
આ બનાવમાં ફરિયાદીના ભાઈ અલ્પેશ નારીયાએ જણાવ્યું હતું કે તેના ભાઈ વિજય વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાથી અમદાવાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયા હતા. આ સમયે ઠગ હિતેશ ઠાકર પણ ત્યાં ઉપસ્થિત હોય તેણે પોતાની આઈએએસ તરીકે ઓળખ આપી હતી. જેનાથી ફરિયાદી તેની તમામ વાતમાં ભોળવાઈ ગયા હતા. એકંદરે હિતેશ ઠાકર કોઈ જ હોદ્દો ધરાવતો ન હોવા છતાં તેણે જે રીતે રૌફ જમાવ્યો તેને જોઈને ફરિયાદી વિજયભાઈ અંજાઈ ગયા હતા.
જુદી – જુદી કચેરીના લેટરપેડ પણ આપ્યા
ક્રાઈમ બ્રાન્ચમાં જેની સામે ફરિયાદ નોંધાઈ છે તે વડોદરાના ઠગ હિતેષ ઠાકરે રાજકોટના વેપારી અલ્પેશ નારીયા અને તેના ભાઈ વિજય સામે રોફ જમાવવા માટે અલગ-લગ વિભાગોના લેટરપેડ પણ તૈયાર કરાવ્યા હોવાનું ખુલ્યું છે. હિતેશે કેન્દ્ર સરકારના રેવન્યુ બોન્ડ, મહેસુલ સંપાદન ગુજરાત (ગાંધીનગર), અધિક જિલ્લા કલેક્ટર, રાજકોટ જિલ્લા કલેક્ટર, મહેસૂલ વિભાગ-ગાંધીનગર, સેક્શન અધિકારી ગુજરાત રાજ્ય મહેસૂલ સંપાદન (ગાંધીનગર) તેમજ ડીઆરડીઓ (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન) તેમજ અલગ-અલગ કોર્ટ ઉપરાંત સરકારી કચેરીઓના અધિકારીઓના હોદ્દાવાળા બનાવટી પત્રો તેમજ હુકમોના કાગળો બનાવી તેના ઉપર જે તે વિભાગના વડાઓની સહી પણ કરી નાખી હતી. આ કાગળ બનાવટી હોવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરી ફરિયાદી અલ્પેશ અને તેના ભાઈ વિજયને વોટસએપ મારફતે મોકલાવ્યા હતા. આ પછી તે કાગળની પ્રિન્ટ પણ કઢાવી બોગસ સરકારી પત્રોનો ખરા તરીકે ઉપયોગ કરી ફરિયાદીને છેતર્યા હતા.