દિલ્હીની વધુ એક હોસ્પિટલમાં લાગી આગ: ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટના સ્થળે
- પશ્ચિમ વિહાર વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી
નવી દિલ્હી, 28 મે: પૂર્વ દિલ્હીના વિવેક વિહાર સ્થિત બેબી કેર હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ વધુ એક હોસ્પિટલમાં આજે મંગળવારે આગ લાગી છે. પશ્ચિમ વિહાર વિસ્તારમાં આવેલી આઈ મંત્ર હોસ્પિટલમાં આગ લાગતા ફાયર વિભાગની પાંચથી છ ગાડીઓ સાથે ઘટના સ્થળે પહોંચી હતી. શોર્ટ સર્કિટના કારણે ACમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના અંગે દિલ્હી ફાયર સર્વિસે જણાવ્યું હતું કે, માહિતી મળતાની સાથે જ પાંચ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
#WATCH | Fire broke out at Eye Mantra Hospital in Delhi’s Paschim Vihar. 5 fire tenders rushed to the spot.
(Source: Delhi Fire Service) pic.twitter.com/8gv2ZuQGKI
— ANI (@ANI) May 28, 2024
છેલ્લા અઢી વર્ષમાં દિલ્હીમાં 77 ઘટનાઓ બની!
વિવેક વિહારની બેબી કેર ન્યુ બોર્ન હોસ્પિટલમાં આગ લાગવાની આ પહેલી ઘટના નથી. ફાયર વિભાગના ડેટા પર નજર કરવામાં આવે તો છેલ્લા અઢી વર્ષમાં દિલ્હીની અલગ-અલગ હોસ્પિટલમાં આગની 77 ઘટનાઓ બહાર આવી છે. તેમાં AIIMS, સફદરજંગ, RML જેવી હોસ્પિટલો પણ સામેલ છે.
અવારનવાર આગની ઘટનાઓ બનતી હોવા છતાં વહીવટી તંત્ર આ અંગે ઉદાસીન છે. કોઈપણ અકસ્માત પછી થોડા દિવસો સુધી તેની ચર્ચાઓ થતી રહે છે, બાદમાં સમય વીતવા સાથે ઘટનાને છોડી દેવામાં આવે છે. વહીવટીતંત્ર સમયસર બચાવની વ્યવસ્થા કરે તો આવા અકસ્માતો નિવારી શકાય તેમ છે.
ત્રણ દિવસ પહેલા જ વિવેક વિહારમાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી
દિલ્હીના વિવેક વિહાર સ્થિત બેબી કેર ન્યુ બોર્ન હોસ્પિટલમાં ગત શનિવારે રાત્રિના સમયે ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં સાત નિર્દોષ લોકોના મૃત્યુ થયા હતા. અકસ્માત સમયે કુલ 12 નવજાત શિશુઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે આગ લાગી ત્યારે પોલીસ, ફાયર વિભાગ, હોસ્પિટલ સ્ટાફ અને લોકોએ કોઈક રીતે તમામ 12 બાળકોને હોસ્પિટલની બિલ્ડીંગની પાછળની બારીમાંથી બહાર કાઢ્યા હતા. વિવેક વિહાર C-54માં બેબી કેર ન્યુ બોર્ન હોસ્પિટલ નામની નાની હોસ્પિટલ છે.
આ પણ જુઓ: રાજકોટ અગ્નિકાંડ: 28માંથી 11 મૃતદેહો પરિવારજનોને સોંપાયા, બ્રાહ્મણોએ શાંતિ પાઠ કર્યા