અમદાવાદ શહેરમાં શુક્રવારે હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. જેમાં શૈલેષ પ્રજાપતિ નામના વ્યક્તિનું મોત થયું હતું. શહેરમાં દિવસે દિવસ અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હિટ એન્ડ રનના કેસનો આંકડો પણ હદ વટાવી રહ્યો છે.
શહેરમાં વહેલી સવારે મોર્નિંગ વોકમાં નીકળેલી વ્યક્તિને બોલેરો ગાડીના ડ્રાઈવરે અડફેટે લીધી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં બોલેરો પિકઅપ વાનના ચાલકની બેદરકારી CCTV કેમેરામાં કેદ થઈ છે. આ ઘટનામાં બેફામ ગાડી હંકારતા બોલેરોના ચાલક સામે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
બેફામ સ્પીડ આવતી બોલેરોએ રાહદારીને હડફેટે લીધા
પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં કેનારા બેંકથી થોડા આગળ શૈલેષ પ્રજાપતિ મોર્નિંગ વોક પર જતાં હતાં. આ દરમિયાન પાછળથી પુરપાટ આવી રહેલી બોલેરો કારના ડ્રાઈવરે તેમને અડફેટે લીધાં હતાં. શુક્રવારના રોજ થયેલા અકસ્માતના CCTV સામે આવ્યા છે. સવારે 6 કલાકે મોર્નિંગ વોક કરવા નીકળેલા રાહદારીને બોલેરોના ડ્રાઇવરે અડફેટે લીધા હતા.
ગેલેક્ષી કોરલ સોસાયટીમાં રહેતા શૈલેષ પ્રજાપતિ નામના રાહદારીનું તેમા મોત થયું હતું. આ અકસ્માતમાં બોલેરો પિકઅપ વાનના ચાલકની બેદરકારી CCTV કેમેરામાં કેદ થઈ છે. મુખ્ય માર્ગ ઉપર પુરપાટ ગતિએ આવતી બોલેરોએ રાહદારીને ટક્કર મારી દીધી હતી. આ ઘટના બાદ ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. આ વિસ્તારની જનતાએ બેફામ વાહન હંકારતા ડ્રાઈવરને પકડીને તાત્કાલિક કાયદેસરની કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.