પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાન સામે નોંધાઈ વધુ એક FIR, મુશ્કેલીઓમાં થયો વધારો
પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. પંજાબ પોલીસે ગુરુવારે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના વડા ઈમરાન ખાન વિરુદ્ધ આતંકવાદ સહિત અનેક આરોપોમાં નવી FIR નોંધી છે. પંજાબ પોલીસ દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆરમાં એવું કહેવામાં આવ્યું છે કે પૂર્વ પીએમ ખાને જમાન પાર્કમાં હાજર તેમની પાર્ટીના 2500 થી વધુ કાર્યકરોને પોલીસકર્મીઓ પર હુમલો કરવા માટે ઉશ્કેર્યા હતા. જ્યારે પોલીસકર્મીઓ તેને ભ્રષ્ટાચારના કેસમાં પકડવા ગયા હતા. એફઆઈઆર મુજબ પીટીઆઈ સમર્થકોએ પોલીસના વાહનોને પણ આગ ચાંપી હતી. પોલીસકર્મીઓ અને રેન્જર્સ પર પેટ્રોલ બોમ્બ પણ ફેંક્યા. આ ઘટનામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.
આખા દેશમાં 83 ફરિયાદ નોંધાઈ
ઈમરાન ખાન પર દેશભરમાં 83 એફઆઈઆર નોંધવામાં આવી છે, જેમાં જાહેર જનતાને ઉશ્કેરવા, મહિલા ન્યાયાધીશની તિરસ્કાર અને સત્તાવાર કામમાં દખલગીરીથી લઈને હત્યા, હત્યા માટે ઉશ્કેરણી, આતંકવાદ, રાજદ્રોહ અને નિંદા જેવા આરોપોના ઘણા કેસ નોંધાયા છે.
અત્યાર સુધી શું થયું?
પાકિસ્તાનના કાયદા અનુસાર, વિદેશી રાજ્યના મહાનુભાવો તરફથી મળેલી કોઈપણ ભેટને સ્ટેટ ડિપોઝિટરી એટલે કે તોશાખાનામાં રાખવાની હોય છે. જો રાજ્યના વડા ભેટને જાળવી રાખવા માંગે છે, તો તેણે તેની કિંમત જેટલી રકમ ચૂકવવી પડશે. આ હરાજી પ્રક્રિયા દ્વારા નક્કી કરવામાં આવે છે. આ ભેટો કાં તો તોશાખાનામાં જમા રાખવામાં આવે છે અથવા તો તેની હરાજી કરી શકાય છે અને તેના દ્વારા મળેલી રકમ રાષ્ટ્રીય તિજોરીમાં જમા કરવામાં આવે છે.
તોશાખાનામાંથી સસ્તામાં ભેટ ખરીદી મોંઘભાવે વેચી દીધી
જ્યારે ઈમરાન વડાપ્રધાન હતા ત્યારે 2018માં સત્તામાં આવેલા ઈમરાન ખાનને સત્તાવાર મુલાકાતો દરમિયાન લગભગ 14 કરોડ રૂપિયાની 58 ભેટ મળી હતી. આ મોંઘીદાટ ભેટ તોશાખાનામાં જમા કરવામાં આવી હતી. બાદમાં ઈમરાન ખાને તેમને તોશાખાનામાંથી સસ્તા ભાવે ખરીદી અને પછી મોંઘા ભાવે બજારમાં વેચી દીધી હતી. આ સમગ્ર પ્રક્રિયા માટે તેમણે સરકારી કાયદામાં ફેરફાર પણ કર્યા હતા.
ભેટ વેચી રૂ.5.8 કરોડનો નફો કર્યો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈમરાને તોશાખાનામાંથી આ ગિફ્ટ્સ 2.15 કરોડ રૂપિયામાં ખરીદી હતી અને તેને વેચીને 5.8 કરોડ રૂપિયાનો નફો મેળવ્યો હતો. ભેટમાં એક ગ્રાફ ઘડિયાળ, કફલિંકની જોડી, એક મોંઘી પેન, એક વીંટી અને ચાર રોલેક્સ ઘડિયાળોનો સમાવેશ થાય છે.