માંડવી ધર્માંતરણ રેકેટ કેસમાં વધુ એક મહિલા શિક્ષિકાની ધરપકડ

સુરત 3 ડિસેમ્બર 2025: સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ચર્ચાનું કેન્દ્ર બનેલા ધર્માંતરણ રેકેટ કેસમાં પોલીસ તપાસમાં સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. આ કેસમાં વધુ એક મહિલા શિક્ષિકા મીનાબેન ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. મીનાબેનને માસ્ટરમાઈન્ડ ગણાતા રામજી ચૌધરીના નજીકના માનવામાં આવે છે અને તેમની સાથે સીધો સંપર્ક હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
આ કેસની શરૂઆત એક આદિવાસી યુવતીની ફરિયાદથી થઈ હતી, જેમાં તેણે આરોપ લગાવ્યો કે ડોક્ટર અંકિત ચૌધરીએ લગ્નની લાલચ આપીને ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કર્યું હતું અને પછી તરછોડી દીધી હતી. આરોપી અંકિતના પિતા રામજી ચૌધરી, જે સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય છે અને પાસ્ટર તરીકે પણ કાર્યરત છે, તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન ખુલાસો થયો કે આ રેકેટમાં મોટા ભાગે શિક્ષકો સંડોવાયેલા છે. અગાઉ રાકેશ વસાવા સહિત અન્ય શિક્ષકોની ધરપકડ કરાઈ હતી. હવે મીનાબેન ચૌધરીની ધરપકડ સાથે કુલ ૬ આરોપીઓ પોલીસ સકંજામાં છે, જેમાંથી ૪ સરકારી શિક્ષકો છે. આરોપીઓ આદિવાસી અને આર્થિક રીતે નબળા લોકોને ટાર્ગેટ બનાવીને આર્થિક લાલચ, અંધશ્રદ્ધા ફેલાવી અને મહિલાઓને નિશાન બનાવી ધર્માંતરણ કરાવતા હોવાના આરોપ છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ રેકેટ ચેરિટેબલ ટ્રસ્ટના નામે ચાલતું હતું અને ગરીબોને પ્રલોભન આપીને ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હતું. એક બાદ એક શિક્ષકોની સંડોવણી સામે આવતા શિક્ષણ જગત પર પણ લાંછન લાગી રહ્યું છે. પોલીસે જણાવ્યું કે તપાસ ચાલુ છે અને વધુ ખુલાસા થઈ શકે છે.
આ પણ વાંચો: પાકિસ્તાની અવળચંડાઈથી ગુજરાતના માછીમારો ત્રસ્ત: દરિયાઈ સીમામાં વારંવાર અપહરણની ઘટનાઓ











