GST કર્મચારીને CMO અધિકારી બનીને આપી ધમકી; કહ્યું તપાસ બંધ કરો
નકલી અધિકારીની ધરપકડ: અમદાવાદ સાયબર ક્રાઇમે વધુ એક કિરણ પટેલ જેવા વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. CMO અધિકારીની ખોટી ઓળખ આપીને જી.એસ.ટી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીને ધમકી આપનાર આરોપીની ધરપકડ કરી છે. આ મામલે ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઇમે નકલી CMO અધિકારીની ખોટી ઓળખ આપનારની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. આ દરમિયાન પોલીસને આ શખ્સ રાજકીય વ્યક્તિઓ સાથે ઘરોબો ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનિય છે કે, કિરણ પટેલે પોતાની ઓળખ PMO અધિકારી તરીકે આપતો હતો.
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચને ફરીયાદ મળી હતી કે એક જી.એસ.ટી. અધિકારી કાયદા અન્વયે સ્થળ તપાસની કામગીરી કરી રહેલો હતો. આ દરમિયાન એક અજાણ્યા મોબાઇલ નંબર પરથી એક વ્યક્તિ પોતે CMOના ઉચ્ચ અધિકારી તરીકેની ઓળખ આપી વારંવાર કેસની કાર્યવાહી બંધ કરીને કેસ પૂર્ણ કરવા ધમકી આપતો હતો.આ ફરિયાદ પછી પોલીસે CMO તરીકેની ઓળખ આપનારા લવકુશ (ઉ.વ.28) સાણંદ, અમદાવાદની અટકાયત કરવામાં આવી છે.
આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેના કાકા ઉંઝા ખાતે પેઢી ધરાવી વેપાર ધંધો કરે છે અને જી.એસ.ટીના અધિકારીઓ દ્વારા પેઢીની સ્થળ તપાસ કરતા પેઢીના કેસની તપાસના કામે નોટીસ આપી હતી. જી.એસ.ટી.ના અધિકારીઓ દ્વારા તેના કાકા વિરૂદ્ધ કોઇ આગળની કાર્યવાહી ન થાય તે માટે પોતે CMOના ઉચ્ચ અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી જી.એસ.ટી ડીપાર્ટમેન્ટના ફરજ ઉપરના અધિકારીને ધાક ધમકી આપી કામ કઢાવી લેવા માંગતા હતા.
આરોપીનો જન્મ હિંમતનગરમાં થયો છે અને વર્ષ 2017થી સાણંદ-નિધરાડ ખાતે રહે છે, તેન મૂળ વ્યવસાય કર્મકાંડ-જ્યોતિષનો છે અને સાથે સાથે ખાનગી સિક્યુરિટી સર્વિસ પ્રોવાઇડ કરે છે. આરોપી રાજકીય પક્ષો સાથે સંકળાયેલ હોય રાજકીય આગેવાનો સાથેની ઉઠક બેઠકનો લાભ લઇ તેનો દૂરઉપયોગ કરી રહેલ હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું છે.
આ પણ વાંચો-છોટા ઉદ્દેપુર : ACBએ વધુ એક ભ્રષ્ટ અધિકારીને કર્યો ઝબ્બે; કરી હતી દોઢ લાખની માંગણી