પાવાગઢના દર્શને આવતા ભક્તો માટે વધુ એક સુવિધાઃ નહીં ચઢવા પડે પગથિયાં
પંચમહાલમાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં મહાકાળી માતાના દર્શન કરવા માટે આવતા દર્શનાર્થીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. મંદિરની ડિઝાઈનને ભવ્ય બનાવ્યા બાદ વધુ એક સુવિધા ઉભી કરવામાં આવી છે. સિનિયર સિટિઝન અને દિવ્યાંગ દર્શનાર્થીઓને ધ્યાનમાં રાખીને અહીં રોપ-વેથી મંદિર સુધી પહોંચવા માટે બે લિફ્ટ બનાવવામાં આવશે. 20 કરોડ રુપિયાના ખર્ચે અહીં બે લિફ્ટ બનાવાસે. લિફ્ટના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ છે. આ લિફ્ટનું કામ પુરુ થતા દર્શનાર્થીઓ તેની મદદથી સીધા નીજ મંદિર પહોંચી શકશે. આ લિફ્ટમાં 20 લોકો એકસાથે બેસી શકશે. આ લિફ્ટ મંદિર પરિસર ખાતે લઇ જશે. કુલ 70 મીટરની ઊંચાઈ ધરવાતી હાઇસ્પીડ લિફ્ટ બનાવવામાં આવશે.
અત્યારે રોપવેમાંથી ઉતરીને પણ પગથિયાં ચઢવા પડે છે
અત્યારે મંદિરના દર્શન માટે આવતા ભક્તોએ રોપ-વેમાં પહોંચ્યા બાદ 450 પગથિયા ચઢીને મંદિર સુધી પહોંચવું પડે છે, જેના કારણે કેટલાક વૃદ્ધ દર્શનાર્થીઓ અને દિવ્યાંગોને મંદિર સુધી પહોંચવામાં તકલીફ પડે છે. જેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. લિફ્ટ માટે ખાતમુહૂર્ત કરી દેવાયુ હોવાથી ટૂંક સમયમાં પાવાગઢ આવનારા ભક્તોને વધુ એક સુવિધા મળશે. પાવાગઢ પર આવેલા છાસિયા તળાવથી મંદિર સુધી પહોંચવા માટે ભક્તો લિફ્ટનો ઉપયોગ કરી શકશે.
ધજારોહણ બાદ દર્શનાર્થીઓની સંખ્યા વધી
ગયા વર્ષે પાવાગઢ મંદિર પર પ્રથમ વખત ધજા ચઢાવવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિર પર ધજા ચઢાવ્યા બાદ અહીં સતત દર્શનાર્થીઓની સંખ્યા વધી રહી છે. રવિવાર તેમજ જાહેર રજાના દિવસે અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. હાલમાં મંદિર સુધી લઇ જતો રોપવે મેઇન્ટેનન્સના કામ માટે બંધ રખાયો છે. આ રોપવે 21 જાન્યુઆરી સુધી બંધ રહેશે.
આ પણ વાંચોઃ PM મોદી માટે 2024 ખૂબ જ ખાસ છે, રચી શકે છે ઇતિહાસ, સામાન્ય ચૂંટણી દેશની દિશા નક્કી કરશે