વધુ એક દેશમાં ખટપટ શરૂ : દક્ષિણ કોરિયામાં ઈમરજન્સી માર્શલ લો જાહેર કરતા રાષ્ટ્ર પ્રમુખ

નવી દિલ્હી, 3 ડિસેમ્બર : દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક-યોલે મંગળવારે દેશમાં ‘ઇમરજન્સી માર્શલ લો’ જાહેર કર્યો છે. વિરોધ પક્ષો પર સરકારને લકવાગ્રસ્ત કરવાનો, ઉત્તર કોરિયા પ્રત્યે સહાનુભૂતિ ધરાવતો અને દેશની બંધારણીય વ્યવસ્થાને નબળી કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે રાષ્ટ્રને ટેલિવિઝન સંબોધનમાં આ જાહેરાત કરી હતી. આ સાથે દક્ષિણ કોરિયામાં ચાલી રહેલ રાજકીય તણાવ વધુ વધી ગયો છે.
રાષ્ટ્રપતિ યૂન સુક-યોલે પોતાના સંબોધનમાં કહ્યું, ‘હું દક્ષિણ કોરિયાને ઉત્તર કોરિયાના સામ્યવાદી દળો દ્વારા ઉભા કરવામાં આવેલા જોખમોથી બચાવવા અને રાષ્ટ્રવિરોધી તત્વોને ખતમ કરવા ઈમરજન્સી માર્શલ લો જાહેર કરું છું.’ તેમણે દેશની સ્વતંત્ર અને બંધારણીય વ્યવસ્થાની રક્ષા માટે તેને જરૂરી ગણાવ્યું હતું. આગામી વર્ષના બજેટને લઈને યુનની પીપલ્સ પાવર પાર્ટી અને વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટી વચ્ચે ચાલી રહેલા વિવાદ બાદ આ જાહેરાત કરવામાં આવી છે.
દક્ષિણ કોરિયાની 300 સભ્યોની સંસદમાં બહુમતી ધરાવતા વિપક્ષી સાંસદોએ તાજેતરમાં નાના બજેટ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. પ્રમુખ યુન સુક-યોલ દ્વારા મુખ્ય ભંડોળમાં કાપ મૂકવા બદલ તેની ટીકા કરવામાં આવી હતી. તેમણે કહ્યું, ‘આપણું નેશનલ ગૃહ ગુનેગારોનું આશ્રયસ્થાન બની ગયું છે. તે કાયદાકીય સરમુખત્યારશાહીનો અડ્ડો બની ગયું છે, જે ન્યાયિક અને વહીવટી પ્રણાલીઓને લકવાગ્રસ્ત કરવા અને આપણી ઉદાર લોકશાહી પ્રણાલીને નષ્ટ કરવા માંગે છે.
રાષ્ટ્રપતિ યુન સુક-યોલે વિપક્ષને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યા
યુને વિપક્ષ પર ડ્રગના ગુનાઓ સામે લડવા અને જાહેર સલામતી જાળવવા માટે જરૂરી બજેટમાં કાપ મૂકવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે વિપક્ષ દેશને ડ્રગ્સનું સ્વર્ગ બનાવવા અને શાંતિને અરાજકતામાં ફેરવવા માંગે છે. યુને વિપક્ષી ધારાસભ્યો પર રાષ્ટ્રવિરોધી શક્તિઓ સાથે હોવાનો અને સરકારને ઉથલાવી પાડવાનો ઈરાદો હોવાનો આરોપ લગાવ્યો હતો.
તેણે પોતાના નિર્ણયનો બચાવ કર્યો અને તેને જરૂરી ગણાવ્યો હતો. લોકોની આજીવિકાની પરવા કર્યા વિના, વિરોધ પક્ષે માત્ર મહાભિયોગ, વિશેષ તપાસ અને તેના નેતાને કાયદાના હાથમાંથી બચાવવા માટે શાસનને લકવાગ્રસ્ત કર્યું છે.
આ પણ વાંચો :- બેંકના ખાતાધારકો માટે મોટા સમાચાર, નોમિનીના નિયમોમાં થયો ફેરફાર, જાણો શું